નવસારી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને વેસ્મા કન્યા શાળા અને માધ્યમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*’શિક્ષણ જ ઉજ્જ્વળ ભવિષ્ય તરફ લઇ જાય છે. શિક્ષણ વિકાસનો મુળભુત પાયો છે.’ – જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા*
*શાળા પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ તથા તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર એનાયત કરાયું*
નવસારી,તા.28: ત્રીદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫નો આજે અંતિમ દિવસ છે. આ કાર્યક્રમ અન્વયે નવસારી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના અધ્યક્ષસ્થાને વેસ્મા કન્યા શાળા અને વેસ્મા માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન કરતા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ જણાવ્યું હતું કે, કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એવી રાજ્ય સરકારની નેમ છે. ત્યારે આજે બાળકોએ જીવનનું પ્રથમ પગલુ લીધુ છે આજે જે રીતે ખુશી ખુશી શાળાએ આવ્યા છે તેવી જ રીતે દરરોજ શાળાએ આવે તે જોવાની જવાબદારી વાલીઓ અને શિક્ષકો બન્નેની છે. તેમણે શિક્ષણ જ ઉજ્જ્વળ ભવિષ્ય તરફ લઇ જાય છે. શિક્ષણ વિકાસનો મુળભુત પાયો છે એમ ભારપુર્વક જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને સમયનું સંચાલન એટલે કે સમયની અગત્યતાને સમજવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીએ વધુમાં વાલીઓ અને બાળકોને મીઠી ટકોર કરી મોબાઇલનો ઉપયોગ ટાળવા અને રમત ગમત અને પુસ્તકો સાથે મિત્રતા કેળવવા જણાવ્યું હતું. તેમણે બાળકોના પોષણ ઉપર પણ વાલીઓને ધ્યાન આપવા અને ફક્ત ઘરનું જ ભોજન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે બાળકોને હાથ ધોઇને જ જમવા અને પોતાની સ્વચ્છતા જાળવવા પણ શીખ આપી હતી.
નોંધનિય છે કે, વેસ્મા કન્યા શાળા પ્રાથમિક શાળા ખાતે સડોદરા પ્રાથમિક શાળા, હજીપુરા પ્રાથમિક શાળા અને વેસ્મા કન્યા શાળાના બાલવાટીકાના ૧૧ કુમાર, ૧૩ કન્યા મળી કુલ-૨૪ બાળકો, ધોરણ-૦૧માં ૧૪ કુમાર, ૧૨ કન્યા મળી કુલ-૨૬ બાળકો અને આંગણવાડીના ૧૨ કુમાર, ૧૧ કન્યાઓ મળી કુલ-૨૩ બાળકો શાળા પ્રવેશ કરાવામાં આવ્યો હતો.
આ સાથે વેસ્મા માધ્યમિક શાળા ખાતે ધોરણ-૦૯ના ૮૬ કુમાર અને ૭૯ કન્યાઓ મળી કુલ-૧૬૫ બાળકો શાળા પ્રવેશ કરાવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે શાળા પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ તથા શાળાના તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
આ સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ એસ.એમ.સી કમિટીના સભ્યો તથા શાળા કર્મચારી ગણ સાથે બેઠક યોજી શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી અને શૈક્ષણિક ક્ષેત્રે જરૂરી સૂચનો કર્યા હતા. બેઠક દરમિયાન શાળામા બાળકોની સંખ્યા વધે તે માટે હાથ ધરાયેલ કાર્યો અંગે જાણકારી મેળવી આ અંગે વધુ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શિક્ષકોને શિક્ષણની ગુણવત્તા વધારવા કડક સુચના આપી હતી.
આ સાથે શાળામાં બાળકોની હાજરી 100 ટકા થાય તે માટે વાલીઓ અને શિક્ષકોને સકારાત્મક પ્રયત્નો હાથ ધરાય તે માટે ખાસ જણાવ્યું હતું. તેમણે બાળકોની આરોગ્ય તપાસ અને પોષણના સ્તરમા વધારો થાય તે અંગે પણ સૌને જાગૃત કરવા જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, પ્રાર્થના રજુ કરી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. શાળાની વિદ્યાર્થીઓ દ્વારા ‘વૃક્ષોનુ મહત્વ’ અને ‘પર્યાવરણની જાળવણી’ વિષય ઉપર વક્તવ્ય રજુ કર્યું હતું.
<span;>કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવા સંદેશ પાઠવ્યો હતો.
આ પ્રસંગે તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, પીએચસી સેન્ટરના કર્મચારીઓ, શાળાના એસએમસી કમીટીના સભ્યો, વાલીઓ, શાળા પરિવાર અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.





