કેશોદના યુવાનની ઉદ્યોગ સાહસિકતા, MBBSનો અભ્યાસ છોડી ૨૩ વર્ષે શરૂ કર્યો પ્રોટીન બારનો બિઝનેસ, દેશના ૧૯ રાજ્યોમાં ૨૮૦૦૦ શોપ સુધી પહોંચે છે સેહતમંદ પ્રોડક્ટ્સ
કેશોદના યુવાનની ઉદ્યોગ સાહસિકતા, MBBSનો અભ્યાસ છોડી ૨૩ વર્ષે શરૂ કર્યો પ્રોટીન બારનો બિઝનેસ, દેશના ૧૯ રાજ્યોમાં ૨૮૦૦૦ શોપ સુધી પહોંચે છે સેહતમંદ પ્રોડક્ટ્સ

સૌરાષ્ટ્રના એક તરવરિયા યુવાને એક નવા જ ક્ષેત્રમાં સાહસ ખેડ્યું છે, એક નાના ટાઉનનો માત્ર ૨૩ વર્ષની ઉંમરે એ ક્ષેત્રમાં સાહસ દાખવે છે, તેનો વિચાર શુદ્ધા કરવો મુશ્કેલ હોય છે. આજે નાના-મોટા ઉતાર ચઢાવ અને સંઘર્ષો સામે બાથ ભીડ્યા બાદ સફળતાની નવી ગાથા આલેખવા કમરકસી છે. આત્મનિર્ભર ભારતના પ્રતિનિધિરૂપ યુવાન ઉદ્યોગ સાહસિક દીપ ઘીમેલિયા જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરનો વતની છે. ૨૬ વર્ષિય દીપ અભ્યાસમાં કુશળ પણ હંમેશા ઉદ્યોગના ક્ષેત્રમાં વિદ્યાર્થીકાળથી કંઈક કરવા મન રમમાણ કર્યાં રાખતું. આ સ્થિતિએ તો એમ.બી.બી.એસ.નો અભ્યાસ પણ વચ્ચેથી છોડાવ્યો. આર્થિક પરિસ્થિતિ સામાન્ય તેમ છતાં રિસર્ચ કરવા માટે લગભગ દેશના લગભગ બધા રાજ્યો અને ૭- ૮ દેશોમાં ફરી વળે છે. આ સંદર્ભમાં દીપ ઘીમેલીયા કહે છે કે, આ રજળપાટથી એટલું જાણ્યું કે, જે હેલ્થ સપ્લીમેન્ટ છે તે એક વર્ગ પૂરતા સીમિત છે. જે સામાન્ય લોકોને પરવળવા પણ મુશ્કેલ છે, ત્યારે સમાજના દરેક લોકો ને પરવડે તેવી કિંમતે અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પ્રોટીન બાર – હેલ્થ સપ્લીમેન્ટની વર્ષ ૨૦૨૨માં LD Foods નામે કંપની શરૂ કરી.તેઓ કહે છે કે, આ બિઝનેસ શરૂ કરવા માટે આત્મનિર્ભર પોલિસી ફોર MSME અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રૂ. ૫૦ લાખથી વધુની આર્થિક સહાય મળી છે, જેનાથી શરૂઆતના તબક્કે જરૂરી આર્થિક સહાયની સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જરૂરી માર્ગદર્શન પણ મળ્યું હતું. દીપ ધીમેલીયા વધુમાં જણાવે છે કે, કેશોદના સોંદરડા ગામે શરૂ કરેલા યુનિટમાં આજે હેલ્થ રીલેટેડ પ્રોટીન બાર, પ્રોટીન પાવડર, ન્યુટ્રીશન બાર, ઓડસ બાર ઉપરાંત લોકોના શરીર માટે જરૂરી પોષક તત્વો વિટામિન્સ મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી ૧૨૦થી વધુ પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ, સાથે જ લગભગ દરેક ક્વાર્ટરમાં નવી પ્રોડક્ટ પણ લોન્ચ કરી રહ્યા છીએ. આજે દેશના ૧૯ રાજ્યમાં ૨૮૦૦૦ શોપ સુધી આ પ્રોડક્ટ પહોંચી રહી છે. ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાં ૩૦ જેટલા કંપની આઉટલેટ ખોલવા માટેની યોજના બનાવી રહ્યાં છીએ.લોકોને સ્વાદની સાથે સેહત પણ મળી રહે તેવી પ્રોડક્ટ બનાવી છે, આ માટે સતત R & D (રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ)ખૂબ ભાર આપ્યો છે. યુનિટની અંદર જ પ્રોડક્ટના ટેસ્ટીંગથી ડેવલપમેન્ટ સુધીનું રિસર્ચ કામ કરવામાં આવે છે. રાજ્ય સરકાર ઉદ્યોગ અને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે જરૂરી નીતિગત નિર્ણયો કર્યા છે, તેના માધ્યમથી રોજગારીનું નિર્માણ થાય તેવો ઉમદા હેતુ રહેલો છે. દીપ ઘીમેલીયા પણ આજે ૧૪૦ જેટલા લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે, એમાં પણ ૭૦ ટકા જેટલી મહિલાઓ કામ કરી રહ્યાં છે. દીપે જણાવે છે કે, પ્રોડક્ટસની ગુણવત્તા સાથે કોઈ કોઈપણ બાંધછોડ નહીં તે પ્રાથમિકતા છે, આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ હાઈજીન જાળવવામાં આવે છે. આ પ્રોડક્ટસ USFDA, FSSC 22000, HALAL વગેરે દ્વારા એપ્રુવડ પ્રોડક્ટ છે. જેથી આ પ્રોડક્ટસ રિટેલર મારફત તો વેચાણ થઈ રહ્યું છે, સાથે જ IIT જેવી નામાંકિત શૈક્ષણિક સંસ્થાની કેન્ટીન અને મોટી હોટલોમાં પણ જોવા મળે છે. ઉપરાંત આર્મી કેન્ટીન, મિડ ડે મીલ, નિરામયા, અક્ષયપાત્રા ટ્રસ્ટમાં પણ આ પોષણક્ષમ પ્રોડક્ટસની સપ્લાય કરવામાં આવે છે. દીપ કહે છે કે, કોઈપણ નવા ક્ષેત્ર કે સાહસમાં ડગ માંડશો એટલે સ્ટ્રગલ તો આવશે. ઘણી વાર લાગે કે બધું ખતમ થઈ ગયું, પરંતુ વિશ્વાસ અને ધીરજ રાખો તો ત્યાંથી જ નવી શરૂઆત થતી હોય છે. નેક ઈરાદા અને પ્રમાણિકતા સાથે મહેનતથી કરેલું કર્મ જરૂરથી સફળતા સુધી લઈ જાય છે. તેઓ મને છે કે, ગ્રોથ – પ્રોગ્રેસ ત્યારે જ સફળતામાં પરિણામે જ્યારે તેમાં આધ્યાત્મિકતા ભળે અને સમાજના કલ્યાણનો ભાવ રહેલો હોય. દીપ ઘીમેલીયા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના વિઝન આવકારદાયક ગણાવે છે, અન્ય દેશો પરની ટેકનોલોજી, ઈમ્પોર્ટ વગેરેની નિર્ભરતા ઘટે તે જરૂરી ગણાવી હતી. ઉપરાંત ગાંધીનગર ખાતે યોજતા વાઇબ્રન્ટ સમિટ હવે રીઝયોનલ કક્ષાએ રાજકોટમાં યોજાવા જઈ રહ્યું છે, તેનાથી પણ નાના શહેરના એન્ટરપ્રિન્યોર ઉદ્યોગ સાહસિકોને ફાયદો થશે અને તેમની પ્રોડક્ટને ગ્લોબલ પ્લેટફોર્મ મળી રહેશે. તેમ જણાવ્યું હતું.
૦૦૦૦૦
શું છે પ્રોટીન બાર ?
પ્રોટીન બાર એ માનવ શરીર માટે જરૂરી પોષક તત્વ પૂરું પાડવા માટેનું સુવિધાજનક ઉપાય છે, ભાગદોડ ભરી જીવનશૈલીમાં એક સંપૂર્ણ ભોજન નથી પરંતુ તેનો વિકલ્પ છે. વજન ઘટાડવામાં પણ ઉપયોગી બની શકે છે. પ્રોટીન બાર લાંબા સમય સુધી ભૂખને નિયંત્રણમાં રાખે છે. ઉપરાંત ખોરાકની માત્રાને નિયંત્રિત કરવામાં મુશ્કેલી જણાતી હોય તો પણ એક ઉપાય બની શકે છે. આમ, પ્રોટીન બાર સ્વાસ્થ્ય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે ફાયદા રૂપ છે. પ્રોટીન બાર સંતુલિત આહારનો પુરક હોવું જોઈએ, તેનો વિકલ્પ નહીં. હંમેશા ઓછી ખાંડવાળા પ્રોટીન બારને પસંદ કરવું જોઈએ. પ્રોટીન બાર પ્રોટીન ઉપરાંત અન્ય કાર્બોહાઇડ્રેટ, ફાઇબર વિટામિન્સ મિનરલ્સ સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








