
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
અરવલ્લી જિલ્લાના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર તથા માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન, મેઘરજ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું સંચાલન બી.આર.સી. કો-ઓર્ડિનેટર રાજેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા સ્તરે અમિતભાઈ કવિની વિશેષ હાજરી રહી હતી. કુલ નોંધાયેલા 60 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પૈકી 42 દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાત અનુસાર વિવિધ સાધન સહાય આપવામાં આવી હતી.આ પ્રસંગે મેઘરજ તાલુકાના ડૉ. સંદીપભાઈ ઉપાધ્યાય દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્નેહભોજન આપવામાં આવ્યું હતું, જેનાથી બાળકોમાં આનંદ અને આત્મીયતાનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમમાં સામાજિક કાર્યકર તથા પત્રકાર રહીમભાઈ ચડી પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ સી.આર.સી. રશ્મિકાંત પટેલ અને ધવલભાઈ રાવલ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને પતંગ તથા દોરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પતંગ-દોરીના વિતરણથી બાળકોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો તેમજ રમતાં-રમતાં આનંદ અનુભવવાની સાથે તેમના આત્મવિશ્વાસમાં વધારો જોવા મળ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમથી દિવ્યાંગ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની ઝળહળાટ જોવા મળી હતી. સાથે સાથે સમગ્ર શિક્ષા અંતર્ગત સરકાર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી વિવિધ સહાય યોજનાઓ અંગે પણ વ્યાપક જાગૃતિ ફેલાઈ હતી.





