પાવાગઢમાં ‘ગ્રીન પાવાગઢ’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન દ્વારા બીજ વાવેતરનો શુભારંભ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં કરાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૭.૨૦૨૫
પાવાગઢની પવિત્ર પર્વતમાળામાં હરિત પર્યાવરણ અભિયાન અંતર્ગત આજે ‘ગ્રીન પાવાગઢ’ પ્રોજેક્ટનો અનોખો આરંભ સોમવારના રોજ કરાયો હતો.જેમા હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના વરદ હસ્તે ડ્રોન દ્વારા બીજ વાવેતર કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો.વિશેષરૂપે માં કાલિકા માતાજીના મંદિર નીચેના નવલખી કોઠાર, ખપ્પર જોગણી અને ભદ્રકાલી માતાના ડુંગર વિસ્તારમાં કુલ અંદાજિત 60 હેક્ટર વિસ્તારમાં વિવિધ જાતના બીજનું વાવેતર કરવામાં આવ્યું.જેમાં સિંદુર, સીતાફળ, સાગ, ગોરસ આંબલી, દેશી બાવળ, ગરમાળો, આમળા અને વાંસ જેવી જાતોના અંદાજિત 500 કિલો બીજ ડ્રોનથી છાંટવામાં આવ્યા છે.આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય સાથે પંચમહાલ સહકરી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર, હાલોલ ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ,માં કાલિકા માતાજી મંદિરના ટ્રસ્ટી વકીલ વિનોદભાઈ વરીઆ તેમજ ગોધરા વનવિભાગના વડા DCF ડૉ.પ્રિયંકા ગેહલોત તથા હાલોલ રેન્જના ફોરેસ્ટ ઓફિસર સતીષભાઈ બારીયા હાજર રહ્યા હતા.આ પ્રવૃત્તિનો હેતુ પર્યાવરણના સંરક્ષણ સાથે સાથે પાવાગઢની પ્રાકૃતિક સુંદરતાને વધુ હરિત અને સમૃદ્ધ બનાવવાનો હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.











