GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ હેઠળ જિલ્લાના સફાઈ કામદારોને સ્વરોજગારી માટે ઉત્તમ તક

તા.૧૧/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

સફાઈ કામદારો માટે સીધા ધિરાણ યોજનાઓની ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ

Rajkot: ગુજરાત રાજ્ય સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા જિલ્લામાં રહેતા સફાઈ કામદાર અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ થયેલા ફંડમાંથી મહિલા સમૃદ્ધિ યોજના, માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના, વ્યક્તિગત લોન યોજના, સીધા ધિરાણ (ધંધા/વ્યવસાય/વ્હીકલ) યોજનાઓની ઓનલાઈન અરજી પ્રક્રિયાઓ શરૂ થઈ ચુકી છે. જેમાં લાભાર્થીઓને ૪ ટકા થી લઈને ૬ ટકા સુધીના વ્યાજ દરે રૂ. ૧,૦૦,૦૦૦ થી લઈને રૂ. ૧૫,૦૦,૦૦૦ સુધીની સબસિડી પૂરી પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મૂળ ગુજરાત રાજ્યના વતની હોય તેવા સફાઈ કામદારો કે તેમના આશ્રિત હોય તેવી વ્યક્તિઓને આ લોન મળવાપાત્ર રહેશે. અરજદાર સફાઈ કામદાર કે તેમના આશ્રિતની ઉંમર જાહેરાતના તારીખે ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ. નિયત લક્ષ્યાંક કરતા વધારે અરજીઓ મળી હશે તેવા કિસ્સામાં લાભાર્થીની પસંદગી ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે અને બી.પી.એલ/ વિધવા/ત્યક્તા/વિકલાંગ/ આવક-મર્યાદા ધ્યાને લઈને અગ્રીમતા આપવામાં આવશે. વાહન માટે અરજી કરનાર જાહેરાતની તારીખે વાહન ચલાવવાનું લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ. રૂ.એક લાખ સુધીનું ધિરાણ મેળવવા માટે પાંચ પોસ્ટડેટેડ ચેક, એક સરકારી/સ્થાવર મિલકત ધરાવતા હોય તેવા જામીનદાર અને રૂ. એક લાખથી વધુના ધિરાણમાં ૧૦ પોસ્ટડેટેડ ચેક, અને બે સરકારી/સ્થાવર મિલકત ધરાવતા હોય તેવા જમીનદારો રજૂ કરવાના રહેશે.

ઉપરોક્ત પાત્રતા ધરાવતી વ્યક્તિઓ નિગમની યોજનાઓનો લાભ લેવા માટે નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જાહેરાત પ્રસિદ્ધ થયાથી ૩૦ દિવસ સુધી ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકશે. ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૦૮/૦૮/૨૦૨૪ રહેશે. અરજી ફોર્મ મંજૂર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર પુરાવા સહિત સંબંધિત જિલ્લા કચેરીને તારીખ ૩૧/૦૮/૨૦૨૪ ના રોજ સાંજના ૬ વાગ્યા સુધીમાં જમા કરાવવાના રહેશે. વધુમાં ઓનલાઇન અરજી કરવામાં અસમર્થ અરજદારે જરૂરી આધાર પુરાવા સહિત તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરીક્ષક અને જિલ્લા કક્ષાએ મદદનીશ જિલ્લા મેનેજરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે, જેઓ ઓનલાઈન લોન અરજી કરી આપવામાં મદદરૂપ થશે. તેમ નાયબ નિયામકશ્રી અનુજાતી કલ્યાણ કચેરી ૬/૧ બહુમાળી ભવન, રેસકોર્ષની યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે ૦૨૮૧ – ૨૪૪૪૯૦૨ ફોન નંબર ઉપર સંપર્ક કરી શકો છો.

Back to top button
error: Content is protected !!