BAYADGUJARAT

અરવલ્લી બાયડમાં નકલી દૂધનું નેટવર્ક યુવરાજસિંહ જાડેજા ની જનતા રેડ બાદ સાબર ડેરીના ચેરમેનના ગામ સુધી રેલો

કિરીટ પટેલ બાયડ

અરવલ્લી બાયડમાં નકલી દૂધનું નેટવર્ક: યુવરાજસિંહ જાડેજાની ‘જનતા રેડ’ બાદ સાબર ડેરીના ચેરમેનના ગામ સુધી રેલો
બાયડ: ગુજરાતમાં શિક્ષણ બાદ હવે શ્વેતક્રાંતિમાં પણ ‘નકલી’નો ખેલ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થી નેતા અને ક્ષત્રિય અગ્રણી યુવરાજસિંહ જાડેજાએ ફિલ્મી ઢબે પીછો કરીને નકલી દૂધ ભરેલું ટેન્કર ઝડપી પાડતા સહકારી આલમમાં ભૂકંપ આવી ગયો છે. આ કૌભાંડના તાર સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલના વતન પીપોદરા સુધી પહોંચતા હવે અનેક સવાલો ઉભા થયા છે.
છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં નકલી દૂધનું મોટું નેટવર્ક કાર્યરત હોવાની બાતમીના આધારે યુવરાજસિંહ જાડેજાએ વોચ ગોઠવી હતી. મોડી રાત્રે એક શંકાસ્પદ ટેન્કરનો પીછો કરવામાં આવ્યો હતો. આ ટેન્કર નકલી દૂધ ભરીને સ્થાનિક દૂધ મંડળીઓમાં ખાલી કરવા જઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું આ સફેદ ઝેર પદ્ધતિસર રીતે ડેરીમાં ભેળવવામાં આવતું હતું.
આમોદરા અને પીપોદરા મંડળી શંકાના ઘેરામાં
સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, આ નકલી દૂધ અરવલ્લીના આમોદરા અને પીપોદરા ગામની સહકારી મંડળીઓમાં ઠલવાતું હોવાનું બહાર આવ્યું છે. પીપોદરા ગામ એ સાબર ડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલનું માતૃગામ છે. ચેરમેનના જ ગામની મંડળીમાં જો નકલી દૂધ સ્વીકારવામાં આવતું હોય, તો આ નેટવર્ક કેટલું ઊંડું હશે તે કલ્પનાનો વિષય છે.
મોટા માથાઓની સંડોવણીની ચર્ચા
સ્થાનિક સ્તરે અને સોશિયલ મીડિયામાં એવી પ્રબળ ચર્ચાઓ ચાલી રહી છે કે, આ આખું કૌભાંડ કોઈ નાના માણસનું કામ નથી. લાખો લીટર નકલી દૂધ જો સિસ્ટમમાં ઘૂસી જતું હોય, તો તેમાં ઉપરના સ્તરેથી આશીર્વાદ હોવા જોઈએ. પીપોદરા ગામનું નામ સામે આવતા શામળભાઈ પટેલ સહિત ડેરીના અન્ય સત્તાધીશો સામે પણ આંગળીઓ ચિંધાઈ રહી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે:
શું ચેરમેનને પોતાના જ ગામની મંડળીમાં શું ચાલે છે તેની ખબર નહોતી?
શું આ કૌભાંડમાં ડેરીના ઉચ્ચ અધિકારીઓ કે રાજકીય નેતાઓની મિલીભગત છે?
સામાન્ય પશુપાલકોના દૂધના ભાવ કાપવામાં આવે છે, તો નકલી દૂધ સામે આંખ આડા કાન કેમ
યુવરાજસિંહ જાડેજાએ આ બાબતે કડક તપાસની માંગ કરી છે અને જણાવ્યું છે કે આ માત્ર એક ટેન્કર નથી, પણ આખું રેકેટ છે જે ઉત્તર ગુજરાતના પશુપાલકો અને ગ્રાહકો સાથે દ્રોહ કરી રહ્યું છે. જો નિષ્પક્ષ તપાસ થાય તો અનેક ‘સફેદપોશ’ ચહેરાઓ બેનકાબ થઈ શકે તેમ છે.
હાલ તો સાબર ડેરી અને સહકારી ક્ષેત્રમાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ બાબતે કડક પગલાં ભરે છે કે પછી મોટા માથાઓને બચાવવા માટે આ પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!