ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં નકલી દૂધ કૌભાંડ: પશુપાલકોના હિતમાં કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું, હોળીના પર્વે નકલી દૂધની હોળી કરી અનોખો વિરોધ નોંધાવ્યો – ભ્રષ્ટાચાર વિરોધ મુદ્દે આગેવાનો એ સંકલ્પ લીધો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં નકલી દૂધ કૌભાંડ: પશુપાલકોના હિતમાં કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું, હોળીના પર્વે નકલી દૂધની હોળી કરી અનોખો વિરોધ નોંધાવ્યો – ભ્રષ્ટાચાર વિરોધ મુદ્દે આગેવાનો એ સંકલ્પ લીધો

અરવલ્લી જિલ્લાની કેટલીક દૂધ મંડળીઓમાં આચરવામાં આવેલા નકલી દૂધ કૌભાંડ અને ભ્રષ્ટાચાર અંગે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ એકત્ર થઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને જિલ્લા રજિસ્ટ્રારને સુપરત કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઈ પટેલે સત્તાધીશો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સાબરડેરી સંલગ્ન અરવલ્લીની કેટલીક મંડળીઓમાં જે નકલી દૂધ બિન-સભાસદો દ્વારા દૂધ ભરાવવાનું મોટું રેકેટ બહાર આવ્યું છે, તે અત્યંત શરમનાક અને પશુપાલકોના પેટ પર લાત મારવા સમાન છે. સાબરડેરીના ચેરમેનના પોતાના જ તાલુકાની ચાર જેટલી મંડળીઓ શંકાના દાયરામાં હોવા છતાં સત્તાધીશોનું મૌન સૂચવે છે કે આ કૌભાંડમાં મોટા માથાઓ અને ડેરીના અધિકારીઓની સીધી મિલીભગત છે.

કોંગ્રેસે આવેદનપત્રમાં ગંભીર સવાલો ઉઠાવ્યા છે કે, જે ગામોમાં પશુઓની સંખ્યા જૂજ છે ત્યાં હજારો લિટર દૂધ ક્યાંથી આવ્યું? આ દૂધમાં યુરિયા, પામ ઓઈલ અને સોડા જેવા હાનિકારક તત્વોનો ઉપયોગ થતો હોવાના આરોપો છે, જે પ્રજાના સ્વાસ્થ્ય માટે હૃદય, લિવર અને કિડની જેવા અંગોને નુકસાન પહોંચાડી શકે તેમ છે. આ માત્ર આર્થિક ગુનો નથી પરંતુ માનવતા વિરુદ્ધનો ગુનો છે. અધિકારીઓ એ આટલા મોટા જથ્થાની સ્થળ તપાસ કેમ ન કરી? બિન-સભાસદોના નામે લાખો રૂપિયાનું પેમેન્ટ ચૂકવીને જે નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી છે તેની સઘન તપાસ થવી જોઈએ.

આજે હોળીનો તહેવાર હોઈ કોંગ્રેસ દ્વારા નકલી દૂધની હોળી કરી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર દૂર કરવા માટે પ્રતીકાત્મક હોળી પ્રગટાવી તેની પ્રદક્ષિણા કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ સમિતિએ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી નકલી દૂધનો કારોબાર બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન જારી રહેશે.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ માંગણી કરી છે કે જો આગામી ૧૦ દિવસમાં આ ગંભીર બાબતે સીઆઈડી ક્રાઈમ કે નિવૃત્ત જજની સમિતિ બનાવી તટસ્થ તપાસ સોંપવામાં નહીં આવે અને જવાબદાર અધિકારીઓ તેમજ મંડળીના મળતિયાઓ સામે ફોજદારી ગુના (FIR) નોંધવામાં નહીં આવે, તો કોંગ્રેસ પક્ષ હજારો પશુપાલકોને સાથે રાખીને કચેરીનો ઘેરાવો કરશે અને જલદ આંદોલન છેડશે. આ પ્રસંગે અરૂણભાઇ પટેલ,પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, કમલેન્દ્રસિંહ પુવાર, સુમિત્રાબેન ડામોર, વદનસિંહ મકવાણા, રાહુલભાઈ પટેલ, લાલાભાઈ , જયંતીસિંહ ચૌહાણ, હિંમતસિંહ, ગોવિંદભાઈ વણઝારા . હર્ષદસિંહ રહેવર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!