
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકાના લહેરકા ફળિયા વિસ્તારમાં રહેતા સંજયભાઈ નરેશભાઈ વાઘિયા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના પરિવારને ખોટી પોલીસ ફરિયાદ કરી હેરાન કરવામાં આવી રહ્યું છે તેમજ વારંવાર ધમકીઓ આપવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ તા. 05/02/2026ના રોજ સવારે અંદાજે 06:00 વાગ્યે લહેરકા ફળિયાના રહેવાસી અંક્તિભાઈ આકુભાઈ વાઘિયા પોતાની પત્ની અંબાબેનને “હું આપઘાત કરવા જઈ રહ્યો છું” એવું કહીને ઘરેથી નીકળી ગયા હતા. આથી ચિંતિત પરિવારજનો અને સંબંધીઓ દ્વારા આખો દિવસ તેમની શોધખોળ કરવામાં આવી હતી. ઉપરાંત 112 પર પોલીસને જાણ કરાતા પોલીસ પણ શોધમાં જોડાઈ હતી.સાંજે લગભગ 07:00 વાગ્યે અંક્તિભાઈ સુથારપાડા વિસ્તારમાં મળી આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા માત્ર એટલું જ પૂછવામાં આવ્યું હતું કે તેઓ ક્યાં ગયા હતા અને જણાવ્યા વગર કેમ નીકળી ગયા. આ મામલે સંજયભાઈનો આક્ષેપ છે કે આ વાતથી નારાજ થઈ અંક્તિભાઈ અને તેમની પત્ની અંબાબેન દ્વારા સંજયભાઈ તથા તેમના પરિવાર સામે ખોટા આક્ષેપો સાથે મારામારી અને ધાકધમકીની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સંજયભાઈના જણાવ્યા મુજબ હાલ અંક્તિભાઈ અને અંબાબેન દ્વારા ફળિયામાં તેમને અને તેમના પરિવારજનોને વારંવાર હાથ-પગ તોડી નાખવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. ઉપરાંત તેમની માતા રેખાબેન, ભાણેજ વિપુલભાઈ તથા પાર્વતીબેનને પણ અશ્લીલ ગાળાગાળી કરવામાં આવે છે. સંજયભાઈએ આક્ષેપ કર્યો છે કે યોગ્ય તપાસ કર્યા વગર તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેના કારણે તેમનો પરિવાર માનસિક તણાવમાં જીવી રહ્યો છે.આ સમગ્ર મામલે સંજયભાઈ દ્વારા ખેરગામ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે તેમજ ઉચ્ચ અધિકારીઓ જેમ કે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, નવસારી અને રેન્જ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, સુરતને પણ રજૂઆત કરવામાં આવી છે.સંજયભાઈએ માંગ કરી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી ખોટી ફરિયાદ અને ધમકી આપનાર જવાબદાર લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમના પરિવારને યોગ્ય સુરક્ષા આપવામાં આવે.



