ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ક્યાંક ધીમી ધારે, ક્યાંક મધ્યમ તો ક્યાંક વરસાદ પડી રહ્યો છે,જેના પગલે સમગ્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી છે.સાથે નદી-નાળાઓ છલકાઈ ગયા છે અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. જોકે, આ મેઘમહેર વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટના પણ સામે આવી છે, જેમાં સુબીર તાલુકાનાં એક ખેડૂતનું નદીમાં તણાઈ જવાથી મોત નીપજ્યુ છે.ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને બાદમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.જિલ્લાનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક નદીઓ અને વહેળા બે કાંઠે વહેવા લાગ્યા છે, અને કેટલાક ચેકડેમો પણ ઓવરફ્લો થયા છે,જે ખેડૂતો માટે સારા સંકેત છે.આ વરસાદી માહોલમાં સુબીર તાલુકાનાં બરડા (ખાંબલા) ગામમાં એક કરુણ ઘટના બની હતી. ગામના રહેવાસી વિઠ્ઠલભાઈ નીમજુભાઈ માળવીસ (ઉંમર આશરે 51), જેઓ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા,તેઓ ખેતરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.ત્યારે વરસાદને કારણે ધોધડ નદીમાં પાણીનું સ્તર વરસાદને કારણે વધી ગયુ હતુ. નદીના કોતર ઉપર આવેલા એક ચેકડેમ પરથી પસાર થતી વેળાએ વિઠ્ઠલભાઈ પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયા હતા.પાણીનો પ્રવાહ એટલો હતો કે વિઠ્ઠલભાઈ તેને પાર કરી શક્યા નહીં અને નદીમાં તણાઈ ગયા હતા.અને તેમનું મોત નિપજ્યુ હતુ.આ બનાવની જાણ થતા જ સુબીર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.હાલમાં પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોત (AD)નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે ડાંગ જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે.આ સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. લોકોને નદી, નાળા કે કોતર નજીક ન જવા અને પાણીના તેજ પ્રવાહમાં સાહસ ન કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને બાળકોને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રાખવા અને જોખમી સ્થળોએ ન જવા તાકીદ કરવામાં આવી છે.આશા છે કે, આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ઓછી થશે અને જનજીવન સામાન્ય બનશે, જેથી આવી દુર્ઘટનાઓ ફરીથી ન બને.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન વઘઇ પંથક વરસાદ વિના કોરોકટ, સાપુતારા પંથકમાં 05 મિમી,આહવા પંથકમાં 09 મિમી,જ્યારે સુબિર પંથકમાં 16 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો..