આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને બનાસકાંઠા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

2 જુન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ગ્રામ પંચાયતની ચૂંટણી ન્યાયસંગત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર સજજ આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઈને આજરોજ બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેક્ટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલએ સબંધિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની ચૂંટણી ન્યાયસંગત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય એ માટે પૂરતી તૈયારીઓ થવી જરૂરી છે. તેમણે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ વિભાગને જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી. આ સાથે જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ આચાર સંહિતાનો કડક અમલ કરવામાં આવે તે માટે તમામ નોડલ અધિકારી અને પ્રાંત અધિકારીઓને આચાર સંહિતાનું ચુસ્ત પાલન કરાવવા માટે સૂચના આપી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કામગીરીનું યોગ્ય સંકલન અને સુપરવિઝન માટે જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી સી.પી.પટેલ, નાયબ કલેક્ટરશ્રીઓ, પોલીસ અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી સહિત તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.







