DEDIAPADAGUJARATNARMADA

૬ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા રેલ્વા ગામના ખેડૂત તુલસીભાઈ વસાવા

૬ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા રેલ્વા ગામના ખેડૂત તુલસીભાઈ વસાવા

તાહિર મેમણ – ડેડીયાપાડા – 28/02/2026 – દેડિયાપાડા તાલુકાના રેલ્વા ગામના ખેડૂતમિત્ર તુલસીભાઈ વસાવા છેલ્લા ૬ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે. “પોતાના પાસે ગાય હોય તો રાસાયણિક ખાતરની જરૂર ક્યાં છે” આ વિચારને જીવનમાં ઉતારી તેમણે ખેતી ક્ષેત્રે એક સકારાત્મક પરિવર્તન લાવ્યા છે.

 

ખેડૂતમિત્રશ્રી તુલસીભાઈ વસાવા આત્મા પ્રોજેકટ નર્મદા દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતીની તાલીમોમાં ભાગ લીધો. તાલીમ અને પ્રેરણા પ્રવાસોથી પ્રેરાઈને વર્ષ ૨૦૨૦ થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે.

 

શ્રી તુલસીભાઈ વસાવા પોતાની બે એકર જમીનમાં સીઝન વાઇસ ખેતી કરે છે. તેમણે ચોમાસા દરમિયાન ડાંગર, મકાઈ, કાકડી અને વિવિધ શાકભાજીની ખેતી કરી હતી. હાલ તેઓ મકાઈ, મગ અને કાકડી માટેની તૈયારીઓ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી દ્વારા તેઓ પોતાના પરિવારનું સફળતાપૂર્વક ભરણપોષણ કરી રહ્યા છે.

 

તુલસીભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, લોકોની માંગ મુજબની ખેતી કરું છે અને ખેતરની નજીકમાં આવેલ ઉમરપાડા – સેલંબા મેઈન રસ્તાની બાજુમાંજ તાજી શાકભાજીનું વેચાણ કરું છું જ્યાં સ્કૂલના ટીચરો સહિત અવર જવર કરતા મુસાફરો સહિત આજુબાજુના ગામના લોકો ખરીદી કરે છે. જેનાથી મારો સમય પણ બચે છે અને ઘર-આંગણે જ વેચાણ થઈ જાય છે.

 

આત્મા પ્રોજેકટના તાલીમ દરમિયાન જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક અને બ્રહ્માસ્ત્ર જેવા પ્રાકૃતિક ઇનપુટ્સ બનાવવાની તાલીમ મેળવી અને પોતાના ખેતરમાં સફળતાપૂર્વક અમલ કર્યો તેમજ અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ફાર્મની રૂબરૂ મુલાકાત લઈને વધુ પ્રોત્સાહિત થયા અને પોતાના ખેતરમાં સુધારાઓ કર્યા છે.

 

શ્રી તુલસીભાઈ વસાવા CRP તરીકે ત્રણ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર આધારિત ૧૦ જેટલા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે છે.

 

વર્ષ ૨૦૨૦-૨૧થી આત્મા પ્રોજેકટ તથા અન્ય શિબિરો અને કૃષિ મેળાઓમાં સક્રિય ભાગ લઈને ગામ, તાલુકા અને જિલ્લામાં મિટીંગ યોજી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કરી રહ્યા છે. તેમના પ્રયાસોથી અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે.

Back to top button
error: Content is protected !!