ભરૂચના ખેડૂતોનો વળતર એવોર્ડ સામે આક્રોશ:કલેક્ટર કચેરી બહાર એવોર્ડની હોળી કરી, જૂની જંત્રીના દરથી વળતર સામે રોષ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકામાં ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ડાબા કાંઠા પૂર સંરક્ષણ પાળાની હદમાં આવતી જમીનના વળતર એવોર્ડથી નારાજ ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દેખાવો કર્યા હતા.
ખેડૂત સમન્વય સમિતિના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ એકત્રિત થયા હતા. તેમણે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ખેડૂતોએ એવોર્ડની હોળી કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
આવેદનપત્રમાં ખેડૂતોએ કેટલાક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા છે. વળતર એવોર્ડમાં અનેક ત્રુટિઓ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. સરકારે જાહેરનામાના મુદ્દાઓનો યોગ્ય જવાબ આપ્યો નથી. જમીનની કબજા ફેરફાર અને ક્ષેત્રફળમાં રહેલી ખામીઓ હજુ સુધી દૂર કરવામાં આવી નથી.
બોરભાઠા વિસ્તારમાં 2010-11ની જૂની જંત્રીના દરથી વળતર નક્કી કરવામાં આવ્યું છે. આ બાબતે ખેડૂતોનો વાંધો છે. જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈઓનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો છે. કલમ 19(1)ના જાહેરનામાને પડકારતો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં હાલ સ્ટે મળેલો છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. સરકાર અને વહીવટી તંત્ર ખેડૂતોની આજીવિકા છીનવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.



