GUJARATIDARSABARKANTHA

**ઉત્તર ગુજરાતમાં કમોસમી તોફાની વરસાદ અને ભારે પવનથી ખેડૂતો પાયમાલ, ઘઉંના પાકને વ્યાપક નુકસાન**

**ઉત્તર ગુજરાતમાં કમોસમી તોફાની વરસાદ અને ભારે પવનથી ખેડૂતો પાયમાલ, ઘઉંના પાકને વ્યાપક નુકસાન**

ખેડૂતોને તૈયાર પાક ઉપર મોઢામાંથી કોળિયો છીનવાયો

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ ગત થોડા દિવસોમાં ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખાસ કરીને 18થી 20 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તેજ પવન, ગાજવીજ અને તોફાની વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે ખેડૂતોના તૈયાર ઘઉંના, મકાઈ પાકને ભારે નુકસાન થયું છે.

સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાઓમાં આ કુદરતી આફતની સૌથી વધુ અસર જોવા મળી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા, મોડાસા, મલાસા શામળાજી, બાયડ તાલુકાઓ તેમજ સાબરકાંઠાના ઈડર, હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પ્રાંતિજ, તલોદ અને પોશીના વિસ્તારોમાં ઘઉંના પાક લણણીના આરે હતા. ભારે પવનથી પાક આડો વળી ગયો અને વરસાદથી ડુંડામાં પાણી ભરાતાં દાણા કાળા પડી ગયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ કાળો પડેલો ઘઉં બજારમાં વેચાણ માટે યોગ્ય રહેશે નહીં અને પશુઓના ચારા તરીકે પણ ઉપયોગી નહીં રહે.

જેના કારણે ઉનાળુ પાકનું આયોજન ખોરવાયું છે. અનેક ગામડાઓમાં ખેડૂતોની વર્ષભરની મહેનત અને મોંઘા બિયારણ-ખાતરનો ખર્ચ પાણીમાં ગયો છે. ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને કહે છે કે “મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયો” જેવી સ્થિતિ ઊભી થઈ છે.

રાજ્ય સરકારે આ મુદ્દે સંવેદનશીલતા દાખવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને નુકસાનના તાત્કાલિક સર્વે અને રાહતની યોજના તૈયાર કરવાના આદેશ આપ્યા છે. કૃષિ વિભાગે પણ ખેડૂતોને સલાહ આપી છે કે તૈયાર પાકને સુરક્ષિત રાખવા તાત્કાલિક પગલાં લે. ખેડૂતો વ્યાપક પાક વીમા અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે, જેથી તેમની આર્થિક હાલત સુધરી શકે.

આ કમોસમી માવઠાએ ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે અને આગામી દિવસોમાં વધુ રાહતની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, આગામી થોડા દિવસોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જેથી ખેડૂતોએ સાવચેતી રાખવી જરૂરી છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!