
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકાના પાટી, વડપાડા અને તોરણવેરા જેવા સંપૂર્ણ આદિવાસી વસતિ ધરાવતા ગામોમાં “નલ સે જલ” યોજના (દમણગંગા પ્રોજેક્ટ) હેઠળ પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ યોજના હેઠળ અનેક આદિવાસી ખેડૂતોની ખેતીલાયક જમીનને ભારે નુકસાન પહોંચ્યું હતું સરકારશ્રી દ્વારા જમીન નુકસાની બદલ વળતરની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ તેની અમલવારીમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. પાટી ગામમાં માત્ર 19 સહખાતેદારોને શંકાસ્પદ રીતે વળતર ચૂકવવામાં આવ્યું છે, જ્યારે 80 થી વધુ ખેતીકર ખાતેદારોને અંધારામાં રાખવામાં આવ્યા છે. ગામના સરપંચશ્રી તથા સરકારી તંત્ર વચ્ચે મળતાવળથી ભ્રષ્ટાચારના આરોપો ખેડૂતોએ લગાવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાને “નલ સે જલ” નહિ પરંતુ “નલ સે ભ્રષ્ટાચાર” તરીકે ખ્યાતિ મળી રહી છે.
ખેડૂતોની મુખ્ય માંગ છે કે:
વળતરના વિતરણમાં પારદર્શકતા આવે
તમામ પીડિત ખેડૂતોએ યોગ્ય વળતર મળે
ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ થાય
સરપંચ અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ સમગ્ર મુદ્દાને લઈને ખેડૂતોએ સંયમપૂર્વક તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ ન્યાય ન મળતા હવે ખેડૂતોએ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત આપવાની ફરજ પડી છે. ખેડૂતોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે – “અમે કસુરવાર છીએ કે પીડિત? છતાં અમને જવાબ આપવા માટે પોલીસ સ્ટેશનમાં કેમ બોલાવવામાં આવે છે?” – આ સમગ્ર મામલો હવે ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.



