ગોધરા તાલુકાના એરંડી ગામમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માહિતગાર કરાયા
કૃષિ સખી રાધાબેન બારીયા દ્વારા પ્રાકૃતિક ખાતરના ઉપયોગ અંગે જાણકારી આપવામાં આવી
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના એરંડી ગામ, ક્લસ્ટર-એરંડી ખાતે કૃષિ સખી રાધાબેન બારીયા દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગામના ગેગડી ફળિયામાં આવેલ આંગણવાડી કેન્દ્ર પર યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામીણ બહેનો અને ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કૃષિ સખી રાધાબેન બારીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગથી થતા નુકસાન અને તેનાથી થતી વિવિધ બીમારીઓ વિશે ઉદાહરણો આપીને વિસ્તૃત સમજણ આપી હતી. તેમણે રાસાયણિક ખાતરના બદલે પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા ફાયદાઓ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું, જેમાં રાધાબેને પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે, પાણીનો બચાવ થાય છે, અને પર્યાવરણનું રક્ષણ થાય છે જેવા અનેક ફાયદાઓ વિશે માહિતી આપી હતી.
આ વેળાએ ફળીયાના ખેડૂત ભાઇઓ અને બહેનોએ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવા માટે પ્રેરીત કરવા હાથ ધરાયેલ આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમા વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવતા અને આત્મનિર્ભર બનાવવાનો છે.