
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં કુદરતનો અણધાર્યો મિજાજ જોવા મળી રહ્યો છે.ભર ઉનાળાની ગરમીમાં છેલ્લા અગિયાર દિવસથી કમોસમી વરસાદનું સામ્રાજ્ય યથાવત છે.અગિયારમાં દિવસે પણ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત સાપુતારા, સુબિર, વઘઇ અને પૂર્વપટ્ટીના અંતરિયાળ ગામો તેમજ સરહદીય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.વાતાવરણમાં અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને જોરદાર પવન સાથે વીજળીના કડાકા ભડાકા શરૂ થયા બાદ વરસાદ તૂટી પડ્યો હતો.આ અણધાર્યા વરસાદે વાતાવરણમાં ઠંડક તો પ્રસરાવી, પરંતુ ખેડૂતો માટે ચિંતાનું કારણ બની ગયો છે.છેલ્લા અગિયાર દિવસથી વરસી રહેલા આ કમોસમી વરસાદે ખેતીના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે.ખાસ કરીને આ સમયગાળો ઉનાળુ પાકની લણણીનો હોય છે, ત્યારે અચાનક આવેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે.ડાંગ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કેરીની ખેતી પર નિર્ભર છે અને આ કમોસમી વરસાદ કેરીના પાક માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. પાક તૈયાર થવાના સમયે વરસાદ પડવાથી કેરીના ફળ ખરી પડવાની અને બગડી જવાની સમસ્યા ઉદભવી છે.જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડી રહ્યો છે.આ ઉપરાંત, કઠોળ અને શાકભાજીના પાકને પણ આ વરસાદથી ભારે નુકસાન થયું છે.ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાક સડી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો પોતાની પાક બચાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે, પરંતુ સતત વરસી રહેલા વરસાદ સામે તેઓ લાચાર દેખાઈ રહ્યા છે.વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ વધી છે.આહવા શહેર અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.હાલમાં જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હોવાથી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે વીજળી ગુલ થવાથી અંધારપટ છવાઈ જાય છે.આ કમોસમી વરસાદે ડાંગ જિલ્લાના જનજીવનને પણ પ્રભાવિત કર્યું છે. રોજગારી માટે બહાર જતા લોકોએ વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અનેક જગ્યાએ રસ્તાઓ લપસણા બની ગયા હોવાથી અકસ્માતોનું જોખમ પણ વધી ગયું છે.હવે સૌની નજર હવામાન વિભાગની આગાહી પર ટકેલી છે અને લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે આ કમોસમી વરસાદનું વિઘ્ન ટળે અને ફરીથી સામાન્ય વાતાવરણ સર્જાય.ડાંગ જિલ્લાનાં ખેડૂતોને આશા છે કે સરકાર દ્વારા તેમને પાકના નુકસાનનું વળતર આપવામાં આવશે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે. ડાંગ જિલ્લા માટે આ કમોસમી વરસાદ એક મોટી કસોટી સમાન છે, જેમાં કુદરત અને માનવી વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે..




