જામનગર સિંધી સમાજ દ્વારા થશે ઉપવાસ-અનુષ્ઠાન

*જામનગરમાં આવતીકાલથી સિંધી સમાજના પવિત્ર ૪૦દિવસના ‘ચાલીહા મહોત્સવ’નો થશે પ્રારંભ*
*૪૦ દિવસ ઉપવાસ કરાશે: જ્યારે ઝૂલેલાલ મંદિરોમાં તડામાર તૈયારીઓનો પ્રારંભ: છેલ્લા દિવસે મટકી સરઘસ નીકળશે*
જામનગર ( નયના દવે)
આવતીકાલ તા.૧૬ જુલાઇથી જામનગર સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ જી ના’ચાલીહા વ્રત- અનુષ્ઠાન મહોત્સવ’ શરૂ થશે. જે તા.૨૫ ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં સિંધી સમુદાય ના લોકો ૪૦ દિવસ સુધી ઉપવાસ રાખી અનુષ્ઠાન માં જોડાઈ પૂજા અને ધાર્મિક કાર્યોમાં પસાર કરે છે. જે ચાલીહા પર્વને લઇને જામનગરમાં આવેલા તમામ ઝૂલેલાલ મંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જામનગરમાં વસતા લાખો સિંધી ભાઇઓ-બહેનોમાં આ ઉત્સવને લઇને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ચાલીહા સાહેબ મહોત્સવ ને લઈ સિંધી સમાજ ના ધર્મગુરુ પરમ પૂજનીય સંત શ્રી સાંઈ શહેરાવારાજી જામનગર પધારી રહ્યા છે, જેમના સાનિધ્યમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરાયું છે.
જે આયોજન ની રૂપરેખાને લઈ આયોજકો દ્વારા સાંજે ૦૬:૦૦ કલાકે નાનકપૂરીથી કાર્યક્રમ સ્થળ વેજુમાં સ્મૃતિ હોલ સુધી શોભાયાત્રાનું આયોજન કરાયુ છે, ત્યારબાદ સાંજે ૦૭:૦૦ કલાકે શહેરાવાળા સાંઈજી ના સાનિધ્યમાં શહેર ના પવનચક્કી સર્કલ પાસે આવલી હાલારી ભાનુશાળી સમાજ ની વેજુમાં વાડીમાં ભેરાણા સાહેબ- સત્સંગ-પ્રવચન તેમજ સિંધી મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
અંતિમ તબક્કામાં જ્ઞાતિજનો માટે ભંડારા પ્રસાદનો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે, આ ધાર્મિક પાવન અવસરે સિંધી સમાજના જ્ઞાતિજનો તેમજ સમાજ ની દરેક પંચાયત, સંસ્થાઓ મંડળો, ને પધારવા નીમંત્રણ પાઠવાયું છે.
તેમ SSW સાંઈ પરિવાર જામનગર અને સંત કંવરરામ સેવા સમિતિ દ્વારા અખબાર યાદીમાં જણાવાયુ છે.
*ચાલીહા સાહેબ વ્રત શા માટે રાખવામાં આવે છે*
હાલ પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતમાં હજારો વર્ષ પૂર્વે હિંદુ ધર્મ પર આફત ની ઘડી આવી હતી, જેમાં ત્યારના મુસ્લીમ શાસક મિરખશાહ દ્વારા અત્યાચાર આચરી બળજબરી થી ધર્મ પરિવર્તન કરાવી હિંદુ માંથી મુસ્લિમ બનવા દુષણો કરવામાં આવતા, જેના થી રક્ષણ કરવા બચવા માટે સિંધી સમુદાય દ્વારા સિંધુ નદીના કિનારે ૪૦ દિવસ પૂજા અર્ચના ઉપવાસ કરી ભગવાન ને રીઝવ્યા હતા, અને કઠોર સાધના ને સ્વીકારી ભગવાને સ્વયં દર્શન આપ્યા હતા, આ દરમિયાન ભગવાન ઝૂલેલાલનો અવતાર થશે, અને ધર્મ પર આવેલ આપતી અને સિંધી સમાજને અત્યાચારો માંથી મુક્તી અપાવશે, તેવી આકાશવાણી થઇ હતી.
જે બાદ વિષ્ણુ અવતારી વરુણદેવ જલદેવતા ભગવાન શ્રી ઝુલેલાલ જી નો ધરતી પર અવતાર થયો હતો, જે બાદ ધર્મ ની રક્ષા કાજે લીલા રચી પરત જલ અને જ્યોતિ ના સંગમ માં અંતરમાન થયા હતા.
તે દોર થી આજ દિન સુધી પાકિસ્તાન સિંઘ અને ભારતભરમાં સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની આ લીલા ના સાક્ષી બન્યા હતા, તે યાદમાં આ ચાલીહા મનાવવામાં આવે છે.
*ચાલીહા સાહેબ વ્રત અનુષ્ઠાન માં આ નિયમો નું પાલન કરવામાં આવે છે*
૪૦ દિવસ ઉપવાસ કરવાની સાથે ૪૦ થી વધારે નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. ઉપવાસીએ બાલ-દાઢી ન કરવી, શરીર એ સૌંદર્ય ચીજો અંગીકાર ન કરવો, ગૃહસ્થ જીવનથી દુર રહેવું, નશીલા પદાર્થોનું સેવન ન કરવું, શાકાહારી ભોજન લેવું, સફેદ ખાદ્યચીજોથી દુર રહેવું, ચાર પાય ખુરશી પર ના બેસવું પલંગ પર ન સુવું, શરીર પર ચામડા નો અંગીકાર કરવો નહિ, બહારનું ખાવું નહીં સહિતના નિયમોનું પાલન કરવાનું રહે છે.
મંદિરમાં દર્શન માટે આરતી માટે જવાનું હોય છે. ચાલીહા સાહેબના છેલ્લા દિવસે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે. અને વિધિવિધાન થી વ્રત ની સમાપ્તિ કરી પુનઃ સાંસારિક જીવન માં ફરવામાં આવે છે.
સિંધી સમાજ દ્વારા ચાલીહા વ્રત તેમજ હર એક પ્રસંગ પર ભહેરાણા સાહેબ પૂજા કરાઈ છે
સિંઘ પ્રાંત માં ધર્મ ની રક્ષા કાજે અવતાર લઈ ભગવાન શ્રી ઝુલેલાલ જી એ પોતાના લીલા રચી હતી, અને દુષ્ટ પાપી સાશકો ને લીલા વડે શિક્ષા બોધ ના પાઠો ભણાવી ધર્મ ની રક્ષા કરી હતી. જે સમય વીત્યા બાદ જલ માં જ્યોતિ સ્વરૂપે અંતરમાન થયા હતા, અને જેમાં ભગવાન ને આદેશ કર્યો હતો. આગામી સમય માં જ્યાં જ્યાં જલ જ્યોતિ નો સંગમ હશે ત્યાં ત્યાં હું સાક્ષાત હાજર હોઇસજ તે બાદ વિદાય લીધી હતી.
ત્યાર થી આજ સુધી સિંધી સમાજ દ્વારા પોતાના પરિવાર માં કોઈ પણ પ્રસંગે ભહેરાણા જ્યોતિ સ્વરૂપે ઇષ્ટદેવ ની પૂજા અર્ચના કરી બાદ તેને રીતી રીવાજ થી જલ પરવાન કરવામાં છે. જે પળ માં જલ પર જ્યોતિ નો સંગમ થતા પલ્લવ(પ્રાર્થના)આરતી ની આહુતિ આપવામાં આવે છે.
*શું છે ભહેરાણા સાહેબ*
સિંધી સમુદાય દ્વારા લોટ નો મહાકાય દીપ બનાવી તેમાં જાત જાતના શણગાર કરી જ્યોત સ્વરૂપે ભગવાન ને બિરાજમાન કરી જ્યોત ને પ્રગટાવવામાં આવે છે. જે ભજન ભાવ કરી પૂજા અર્ચના બાદ તે લોટ વાળા દીપ સાથે જ્યોત ને નદી, તળાવ, સમુદ્ર જેવા જળદ્વીપ સ્થળે જલ પરવાન કરવામાં આવે છે. જે દીપ સ્વરૂપ ને ભહેરાણા સાહેબ કહેવામાં આવે છે.




