ભરૂચ: શહેરની હવા અત્યંત ઝેરી બની હોવાનું ડિસ્પ્લે બોર્ડ પર દર્શાવાતા ભયનો માહોલ, બાદમાં બહાર આવ્યું યાંત્રિક ખામી હતી !


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ કલેકટર કચેરી નજીક લગાવવામાં આવેલ ડિસ્પ્લે બોર્ડમાં શહેરની હવા ઝહેરીલી બની હોવાનો AQI ઇન્ડેક્સ દર્શાવાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો જો કે બાદમાં ડિસ્પ્લે બોર્ડમાં ખામી સર્જાય હોવાનું બહાર આવ્યું હતું.
ભરૂચ કલેકટર કચેરી બહાર લગાવવામાં આવેલ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) મીટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા ભારે ઉહાપોહ મચ્યો હતો.સામાન્ય રીતે AQI 150ની આસપાસ હોવા છતાં મીટરે અચાનક 500 AQI દર્શાવતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ બાબતની જાણ નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ને કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ડિસ્પ્લે યુનિટમાં તાંત્રિક ખામી સર્જાઈ જતાં ખોટા આંકડા દર્શાવવામાં આવ્યા હતા. તંત્રએ AQI બોર્ડ લગાવનાર ખાનગી કંપનીને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે AQIના 500 સ્તરને અત્યંત જીવલેણ ગણવામાં આવે છે. જેમાં માનવ શરીર પર ગંભીર અસર થઈ શકે છે. આ સ્તરે AQI હોય તો નાગરિકોને અતિ આવશ્યક હોય એટલું જ બહાર નીકળવું, માસ્ક પહેરવું અને બહારની એક્ટીવીટી ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો કે ભરૂચનો AQI 135ની આસપાસ જ નોંધાઇ રહ્યો છે. આ તરફ આગેવાનોએ તંત્ર પર આક્ષેપ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ડિસ્પ્લે બોર્ડની ગુણવત્તા ચકાસ્યા વગર જ તેનું ઉદ્ઘાટન કરી દીધું હતું જેના પગલે આ પ્રકારે ભયનો માહોલ ઉભો થાય છે. જોકે હાલ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ ડિસ્પ્લે બોર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે.




