કાંકરિયા લેક પાસે પ્રોમિસ ડેની રાત્રે 17 વર્ષની સગીરાની પથ્થર મારી હત્યા, મંગેતર પોલીસ સમક્ષ થયો હાજર

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
શહેરના કાંકરિયા લેક વિસ્તારમાં પ્રોમિસ ડેની રાત્રે એક ચોંકાવનારી અને નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે. 17 વર્ષની સગીર યુવતીની તેના જ મંગેતરે પથ્થર મારીને હત્યા કરી દીધી હોવાનો બનાવ બહાર આવ્યો છે. ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. મણિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને મોહમ્મદ ઉવૈશ પઠાણ નામના આરોપીની ધરપકડ કરી લીધી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પ્રોમિસ ડેની રાત્રે અંદાજે 10:30 વાગ્યાના આસપાસ કાંકરિયા લેકના ગેટ નંબર 7 પાસે આ ઘટના બની હતી. વટવાના સૈયદવાડી વિસ્તારમાં રહેતો અને ફ્રિજ રિપેરિંગનું કામ કરતો મોહમ્મદ ઉવૈશ પઠાણે ગોમતીપુર વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીર યુવતીને મળવા બોલાવી હતી. બંને વચ્ચે ચારથી પાંચ મહિના પહેલાં સગાઈ નક્કી થઈ હતી.
પોલીસ તપાસ મુજબ, યુવતી આરોપી સાથે લગ્ન કરવા ઇચ્છતી નહોતી અને એક દિવસ પહેલાં જ તેણે સગાઈ તોડવાનો નિર્ણય વ્યક્ત કર્યો હતો. આ બાબતે આરોપી ઉગ્ર બની ગયો હતો. મળવા બોલાવ્યા બાદ બંને વચ્ચે વાતચીત દરમિયાન ઉગ્ર તકરાર થઈ હતી. ત્યારબાદ આરોપીએ કોટા સ્ટોનની ધારદાર અણીવાળી જગ્યાનો ઉપયોગ કરી યુવતીના માથામાં ઘાતક પ્રહાર કર્યો હતો, જેના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની વધુ ચોંકાવનારી બાબત એ છે કે હત્યા કર્યા બાદ આરોપીએ પોતે જ યુવતીના પિતા નાસીરભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, “તમારી દીકરીને મારી નાખી છે, હું પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યો છું.” ત્યારબાદ આરોપી મણિનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને ઘટનાની કબૂલાત કરી હતી. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ઘટનાસ્થળે FSL ટીમને બોલાવી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.
મૃતક સગીરાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પિતાએ આરોપીને કડકથી કડક સજા આપવાની માંગ કરી છે. પાડોશીઓ અને સ્થાનિક લોકોમાં પણ આ બનાવ અંગે ભારે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે.
આ ઘટના ફરી એકવાર સંબંધોમાં વધતા મતભેદો અને અસમંજસ વચ્ચે ઉગ્ર પ્રતિક્રિયા રૂપે હિંસાની વૃત્તિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. નાબાલિગ યુવતીની હત્યાએ શહેરને હચમચાવી દીધું છે અને સુરક્ષા તથા સંવેદનશીલતા અંગે નવી ચર્ચા ઊભી કરી છે. પોલીસે સમગ્ર મામલે દરેક પાસાની તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું છે.




