ANANDGUJARATUMRETH

આણંદ કલેક્ટર કચેરીમાંથી જમીન રેકર્ડની ફાઇલ ગાયબ:૧૬૮ ગુંઠા નવી શરતની જમીન પ્રીમિયમ વગર એનએ ફાઇલ ગુમ સંદર્ભે ફરિયાદ

બોરસદની ૧૬૮ ગુંઠા નવી શરતની જમીન પ્રિમીયમ વગર એનએ-ફાઈલ ગૂમ સંદર્ભે ફરિયાદ:અરજી કરતા હાથ ઘરાયેલી તપાસમાં ભાંડો ફુટ્યો.સરકારને મોટું નાણાંકીય નુકશાન થતું હોઈ તેની જવાબદારીમાંથી બચવા જાણીબુઝીને રેકર્ડ શાખામાંથી ઈરાદાપૂર્વક ફાઈલ મેળવી ગુમ કરાઈ

પ્રતિનિધિ:આણંદ
તસ્વીર:કુંજન પાટણવાડીયા

આણંદની કલેક્ટર કચેરીમાં એક બોરસદના બ્લોક સર્વ નંબરોવાળી અંદાજે ૧૬૮ ગુંઠા જમીનોની બિનખેતી પરવાનગીની ફાઈલ રેકોર્ડ શાખામાંથી ગાયબ થઈ જતા સમગ્ર મામલે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ એલસીબીનો સોંપવામાં આવી છે. કલેક્ટર કચેરી જેવી કચેરીમાંથી આખી ફાઈલ જ ગૂમ થતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ ખાતે રહેતા મહંમદ હનીફ એ. મલેકે ૨૬-૮-૨૦૨૩ના રોજ નાયબ મામલતદારને રજૂઆત કરી આરોપ મુક્યો હતો કે તત્કાલીન નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અધિક જિલ્લા કલેક્ટર કેતકીબેન વ્યાસે બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા જેજીપુરા ખાતેની અંદાજે ૧૬૮ ગુંઠા હિજરતી જમીનોને બિનખેતીમાં ફેરવી હતી. આ રજૂઆતની નકલ મહેસૂલ વિભાગ અને ગુજરાત તકેદારી આયોગને મોકલવામાં આવી હતી. જેથી બોરસદ પ્રાન્ત અધિકારી દ્વારા તપાસ અહેવાલ મંગાવતા સરકારને મોટું આર્થિક નુકશાન થયાનું બહાર આવ્યું હતું.

મામલાની તપાસ દરમ્યાન ત્રણ અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જેમાં તત્કાલીન ક્લાર્ક (જમન-૧ શાખા), કલેક્ટર કચેરી, આણંદ રાજેશકુમાર પરીખે જણાવ્યું હતું કે રેકોર્ડ મળ્યે જ ખાત્રી થઈ શકે. ઈન્ચાર્જ, નાયબ મામલતદાર (રેકર્ડ શાખા) એસ.એલ. ચૌહાણે કહ્યું કે ફાઈલ કેમ પરત મંગાવાઈ તેની જાકારી નથી. તત્કાલીન નાયબ મામલતદાર (જમન-૧ શાખા: જે.ડી. પટેલે ફાઈલ મંગાવ્યા નો ઈન્કાર કર્યો છે.હાલમાં જે.ડી. પટેલ ફરજ મોકૂફી હેઠળ છે. રાજેશ પરીખ તારાપુર મામલતદાર કચેરીમાં અને એસ.એલ. ચૌહાણ વિરમગામ મામલતદાર કચેરીમાં ફરજ બજાવે છે. આ જમીનો હીજરતી પ્રકારની એટલે કે નવી શરતની હોવા છતાં બીનખેતી કરેલ હોવા અંગેની રજૂઆત હોવાથી તેમજ સ.નં.૫૬૮/૧ની જમીનમાં નાયબ કલેક્ટર (જ.સુ.) આણંદ દ્વારા મૂળના ખેડૂત અંગેની ખાત્રી થતી ન હોવાનું જણાવેલું હોવા છતાં બિનખેતીની મંજૂરી અપાયેલી હોઈ, જે વિગતે સરકારના પ્રિમીયમના હિતને લગતું નુકશાન થયેલ છે કેમ? તથા ફાઈલમાં કયા કર્મચારી/અધિકારી કેવા પ્રકારના અભિપ્રાય/રીમાર્કસ લખવામાં આવેલા છે તે અંગે ફાઇલની શોધ જરૂરી હોઈ રેકર્ડ ગૂમ બાબતે સામાન્ય વહીવટી વિભાગના પરિપત્રના ઠરાવ મુજબ પ્રાથમિક તપાસ કરવાના હેતુસર મીતાબેન ડોડીયા, નાયબ કલેક્ટર-૨ને આ ફાઈલની શોધ માટે તપાસ અધિકારી તરીકે નિમણૂંક આપવામાં આવેલી હતી. જેઓના તપાસ દરમ્યાન પણ આ જમીનનું રેકર્ડ મળી આવેલ ન હતું. આમ રેકર્ડ શાખામાંથી કોઈ સરકારી કર્મચારી તા. ૨૧-૩-૨૦૨૩ના રોજ ફાઈલ મુવમેન્ટ રજીસ્ટરમાં સહી કરી લઈ ગયેલા છે, પરંતુ ત્યારબાદ કોઈ કારણોસર આ ફાઈલ રેકર્ડ શાખા, કલેક્ટર કચેરી આણંદ ખાતે પરત નહીં કરી પ્રાથમિક રીતે જ કોઈ સરકારી કર્મચારી દ્વારા સરકારને મોટું નાણાંકીય નુકશાન થતું હોઈ તેની જવાબદારીમાંથી બચવા જાણીબુઝીને રેકર્ડ શાખામાંથી ઈરાદાપૂર્વક અગર ખોટી રીતે ફાઈલ મેળવી ત્યારબાદ આ ફાઈલ રેકર્ડ શાખામાં પરત નહીં કરી છેતરપિંડી વિશ્વાસઘાત કરી હોવાનું જણાઈ આવ્યું હતુ. આ અંગે હિરેન્દ્રસિંહ બી. મકવાણા(નાયબ મામલતદાર, રેકોર્ડ શાખા, કલેક્ટર કચેરી, આણંદ)ની ફરિયાદના આધારે આણંદ ટાઉન પોલીસે કલેક્ટર કચેરીના રેકર્ડ શાખામાં ફાઈલ મુવમેન્ટ રજીસ્ટરમાં સહી કરી ફાઈલ લઈ જઈ પરત નહીં કરી ગૂમ કરનાર સરકારી કર્મચારી વિરૂદ્ઘ આઈપીસી કલમ ૪૦૯, ૨૦૧ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 

” એનએ થયેલી જમીનમાં ૨૧૪ પ્લોટ પાડી વેચાણ કરાયા “

બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી અંદાજે ૧૬૮ હિઝરતી પ્રકારની નવી શરતની જમીન ગેરકાયદેસર રીતે એનએ કરી દેવામાં આવી હતી. ચારથી પાંચ જેટલા ભાગીદારોએ એનએ થયેલી આ જમીન ઉપર ૨૧૪ જેટલા પ્લોટો પણ પાડી દીધા હતા અને ત્યારબાદ મોટાભાગના પ્લોટના વેચાણ દસ્તાવેજ પણ થઈ જવા પામ્યા છે. ત્યારે હવે સરકારી તિજોરીને પ્રીમિયમની નુકશાની કોણ ભરશે ? તે મોટો સવાલ ઉભો થવા પામ્યો છે.

Back to top button
error: Content is protected !!