ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લામાં અંતિમ મતદાર યાદી – 15,89,187 મતદારો ફાઇનલ યાદીમાં રહ્યા

આણંદ જિલ્લામાં અંતિમ મતદાર યાદી – 15,89,187 મતદારો ફાઇનલ યાદીમાં રહ્યા

તાહિર મેમણ – આણંદ – 17/02/2026 – ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) તા.૦૪/૧૧/૨૦૨૫થી શરૂ કરવામા આવેલ હતી. જે અંતર્ગત આણંદ જિલ્લામા મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ(SIR)ના વિવિધ તબક્કા દરમ્યાન વિવિધ કામગીરી કરવામાં આવેલ હતી,જેનો અંતિમ તબક્કો મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ આજ રોજ થયેલ છે.

 

કલેકટર કચેરી આણંદ ખાતે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરતા સમયે નિવાસી અધિક કલેકટર આર. એસ. દેસાઈએ પત્રકાર મિત્રોને મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે ની વિગતો આપતા જણાવ્યું હતું કે આણંદ જિલ્લામા મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) શરૂ થતા પહેલા કુલ 18,12,327 મતદાર હતા.પ્રથમ તબક્કા દરમ્યાનની કામગીરી બાદ મુસદ્દા મતદારયાદી (Draft Electoral Roll) માં કુલ 15,80,547 મતદાર દાખલ થયેલ. જે પૈકી નોટીસ અને અપીલ સુનાવણીના તબક્કા બાદ 10,966 મતદારોના નામ પુરાવાના અભાવે અથવા પાત્રતા ન ધરાવતા હોઈ, આખરી મતદારયાદીમાંથી દૂર કરવામાં આવેલ છે.

SIR ના સમયગાળા માં મળેલ ફોર્મ-૬, ફોર્મ-૭ અને ફોર્મ-૮ પરની કાર્યવાહીના અંતે આખરી મતદાર યાદીમા 19,606 નવા મતદારોનો સમાવેશ થયેલ છે.

 

આમ, SIR ના તમામ તબક્કા બાદ પાત્રતા ધરાવતા 15,69,581 અને નવા ઉમેરાયેલા 19606 એમ મળી કુલ 15,89,187 મતદારોના નામનો સમાવેશ કરી આખરી મતદારયાદી આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

 

આણંદના નાગરિકો પોતાનું નામ આ મતદારયાદીમાં મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી અને online ceo.gujarat.gov.in પર ચકાસી શકે છે

 

જે મતદારોના નામ પુરાવાના અભાવે આજ રોજ પ્રસિદ્ધિ થયેલ મતદારયાદીમાં ન હોય તેવા લાયક મતદારો ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયત થયેલ પુરાવા પૈકીના પુરાવા, ડીકલેરેશન ફોર્મ સહીત ફોર્મ 6 ભરી મતદારયાદીમાં નામ ફરીથી નોંધાવી શકે છે તે ખાસ ધ્યાને લેવા જાહેર જનતાને જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!