આખરે ડાંગ જિલ્લા પાણી પુરવઠા વિભાગનાં ભ્રષ્ટ કાર્યપાલક ઈજનેરની બદલી..
MADAN VAISHNAVApril 12, 2025Last Updated: April 12, 2025
5 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પાણી પુરવઠા વિભાગનાં કાર્યપાલક ઈજનેર એચ.બી.ઢીમ્મરની બદલી થતા સ્થાનિક લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.તેમના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન પાણી પુરવઠા વિભાગની કરોડો રૂપિયાની યોજનાઓ માત્ર કાગળ પર જ અધૂરી હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, એચ.બી.ઢીમ્મરના કાર્યકાળમાં ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલા કરોડો રૂપિયાનાં ચેકડેમો, વાસ્મોની યોજનાઓ અને ઘર ઘર નલ કનેક્શન સહિત અનેક યોજનાઓમાં ખાયકી નીતિના કારણે ક્યાંક અધૂરી તો ક્યાંક કાગળ પર હોવાનાં પગલે નિષ્ફળ સાબિત થવા પામી છે. આ ભ્રષ્ટ કાર્યપાલક ઈજનેરના લીધે ડાંગ જિલ્લાના સામાન્ય લોકોને પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી બદલીઓમાં એચ.બી.ઢીમ્મરની બદલી રાજપીપળા કરવામાં આવી છે. તેમના સ્થાને નવા કાર્યપાલક ઈજનેર તરીકે આર.જી.ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. લોકોમાં એવી આશા સેવાઈ રહી છે કે નવનિયુક્ત કાર્યપાલક ઈજનેર આર.જી.ચૌધરી પાણી અંગેની સફળ કામગીરી કરશે અને જિલ્લાની પાણીની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થશે.ઉલ્લેખનીય છે કે, એચ.બી. ઢીમ્મર છેલ્લા ઘણા સમયથી ડાંગ જિલ્લાનાં પાણીપૂરવઠા કચેરીમાં એકહથ્થું શાસન ચલાવી રહ્યા હતા. તેઓ નાયબ કાર્યપાલક ઈજનેર વાસ્મોથી પાણી પુરવઠા વિભાગમાં આવ્યા હતા અને બાદમાં કાર્યપાલક ઈજનેર તરીકે ડાંગમાં જ બઢતી પામ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન વાસ્મોથી લઈને નલ સે જલ યોજના સો ટકા પૂર્ણ થયાનું કહેવાતું હોવા છતા ગામડાનાં ગરીબ આદિવાસી લોકોને પીવાનું પાણી મળ્યુ નહોતુ.આ કારણે ડાંગના આદિવાસી લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને અખબારોમાં પણ પાણીની સમસ્યા અંગેના અહેવાલો નિયમિત રીતે પ્રકાશિત થતા જોવા મળી રહ્યા છે.વર્ષોથી પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા હોવા છતાં ડાંગમાંથી પાણીની સમસ્યા દૂર ન થતાં લોકોમાં તેમના પ્રત્યે ભારે આક્રોશ જોવા મળતો હતો અને તેમની બદલી થાય તો જ લોકોની પાણીની સમસ્યા દૂર થશે તેવાં સુર ઉઠી રહ્યા હતા.હવે જ્યારે નવા કાર્યપાલક ઈજનેર રજનીકાન્ત ચૌધરી કાર્યભાર સંભાળશે, ત્યારે ડાંગ જિલ્લાના લોકો તેમની પાસેથી પાણીની સમસ્યાને દૂર કરવાની આશા રાખી રહ્યા છે. સૌ કોઈ એવું ઈચ્છી રહ્યા છે કે નવા અધિકારી નિષ્ઠાપૂર્વક કામ કરે અને જિલ્લાના દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડે.જોકે હવે પાણી પુરવઠા વિભાગના આ નવા અધિકારી દ્વારા પણ યોગ્ય કામગીરી કરીને પાણીના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે કે નહીં તે તો આવનાર દિવસોમાં જોવું રહ્યુ..