
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવસારીને રૂ. ૩૧૫ કરોડથી વધારેના વિકાસકાર્યોની ભેટ આપીને વિકસિત નવસારી થકી વિકસિત ગુજરાતનો લક્ષ્ય સિદ્ધ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને વિવિધ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રીએ આજે રૂ. ૩૧૫ કરોડથી વધારેની કિંમતના ૫૯૨ થી વધુ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યું હતું.
વિકાસ ઉત્સવના વધામણાં કરતા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આ ખાતમુહૂર્ત-લોકાર્પણના અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલાં આરંભેલી વિકાસ યાત્રા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અવિરત આગળ વધી રહી છે. વડાપ્રધાનશ્રીએ સ્વરાજ પછી સુરાજ્યની દિશા આપીને સરકારી વહીવટને અસરકારક બનાવવાની પ્રેરણા આપી છે.
વિકાસની રાજનીતિના પ્રણેતાએ મુખ્યમંત્રીના કાર્યકાળથી માંડીને આજ દિન સુધી ગુજરાતને પ્રથમ હરોળમાં લાવવા અને રાખવા માટે કોઈ કચાશ રાખી નથી તેમ જણાવી મંત્રીશ્રી એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.
આરોગ્ય ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર, પ્રવાસન ક્ષેત્ર હોય કે કૃષિ ક્ષેત્ર, જળ વ્યવસ્થાપન હોય કે રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર હોય તમામ ક્ષેત્રમાં ગુજરાત આજે અવ્વલ છે, તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું. શ્રી નરેન્દ્રભાઇ મોદીની ગરીબલક્ષી અને જન કલ્યાણલક્ષી અનેકવિધ યોજનાઓના કારણે આજે ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું છે. આજે છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં ભળતા વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત માટે આપણે સૌ આતુર છીએ, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ના લક્ષ્યને સિદ્ધ કરવામાં નવસારી જિલ્લાના નાગરિકો યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમમાં રૂ. ૩૦૭.૫૯ કરોડના ૪૫૬ કાર્યોના ખાતમુહૂર્ત તેમજ રૂ. ૭.૪૨ કરોડના ૧૩૬ વિકાસકાર્યોના લોકાર્પણનો સમાવેશ થાય છે. નવસારી જિલ્લાને મળેલી ૫૯૨ વિકાસકાર્યોની ભેટમાં સામાન્ય વહીવટ વિભાગ, ૧૫મુ નાણાપંચ, આદિજાતિ વિકાસ વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ, માર્ગ અને મકાન વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના કાર્યો સમાવિષ્ટ છે.
આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી પુષ્પ લત્તા સહિતના જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સુજ્ઞ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



