સમીર પટેલ, ભરૂચ
વાગરા તાલુકાની સાયખા GIDC માં આવેલી સ્કાય ઇન્ટરમિડીયેટ કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડના ફાયટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં છાસવારે આગ લાગવાના બનાવો બનતા રહે છે. આજે રવિવારના રોજ પણ સાંજના સમયે વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી સ્કાય ઇન્ટરમિડીયેટ કંપનીના ઉપરના માળે મુકેલા જનરેટરમાં બ્લાસ્ટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગના કાળા ભમ્મર ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતાં. આગ લાગવાની જાણ થતાં જ કામદારોમાં દોડધામ મચી ગઇ હતી.આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ ફાયર ટેન્ડર સાથે સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. પરંતુ કંપનીને મોટુ નુકશાન થયું હોવાનું જણાયું હતું. ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.