ભરૂચમાં પહેલી વખત Hybrid ગાંજાનો જથ્થો ઝડપાયો, કોલેજ સ્ટુડન્ટ મોજશોખ પુરા કરવા સુરતથી લાવતો હતો


સમીર પટેલ, ભરૂચ
SOG એ ₹2 લાખના હાઈબ્રીડ ગાંજા અને 18 હજારના વનસ્પતિ ગાંજા સાથે બે ને દબોચ્યા
હાઈબ્રીડ ગાંજો બે પ્રજાતીનું ક્રોસબ્રિડિંગ કરી લેબમાં વિકસવાતા, અસર અને તીવ્રતા વધુ
પી.પી. સવાણી યુનિવર્સીટીમાં ડીગ્રી કરતો વિવેક મોજશોખ માટે ગાંજો સુરતથી લાવી હોલસેલમાં આકાશને આપતો
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા ASI જયેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, રાજપીપળા ચોકડી સદાનંદ હોટલ તરફ આકાશ યાદવ નામનો એક ઇસમ મેટ બ્લેક કલરનું એક્ટીવા સાથે હરતો ફરતો માદક પદાર્થનું વેચાણ કરે છે. SOG PI આંનદ ચૌધરીએ તરત ટીમને તૈયાર કરી તેને પકડવા વોચમાં ગોઠવી હતી. દરમિયાન એક્ટીવા આવતા તેને રોકી ચેક કરતા યુવાન પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો ભરૂચના નારાયણ નગર 5 માં રહેતો વિવેક ચૌહાણ નામના ઇસમ પાસેથી લાવી અંકલેશ્વરના સારંગપુરમાં મીરાનગરમાં રહેતો આકાશ યાદવ અન્યને વેચાણ કરતો હતો. વનસ્પતિજન્ય ભુખરા રંગનો પાંદડા-ડાળખા-બીજીયુક્ત ગાંજાનો ₹18800 ની કિંમતનો 376 ગ્રામ જથ્થો તેમજ Hybrid ગાંજાનો 59 ગ્રામ કિંમત રૂપિયા 2.06 લાખનો જથ્થો SOG એ જપ્ત કર્યો હતો. નાર્કોટિકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટંસ એકટ હેઠળ એક્ટિવા સહિતના મુદામાલ સાથે આકાશ અને કોલેજિયન વિવેકની ધરપકડ કરી હતી. ભરૂચ જિલ્લામાં પ્રથમ Hybrid ગાંજાના જથ્થોનો કેસ SOG એ ઝડપી પાડ્યો છે.
વિવેક ચૌહાણ પી.પી. સવાણી યુનિવર્સીટીમાં હાલ ડીગ્રી કરે છે. જે પેહલા તે UPL યુનિવર્સીટીમાં અભ્યાસ કરતો હતો. મોજશોખ માટે તે હોલસેલમાં સુરતથી ગાંજાનો જથ્થો લાવતો હતો. હાઈબ્રીડ ગાંજો થાઇલેન્ડથી આવતો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે. જોકે સુરતની લીંક અને આરોપી પકડાયા બાદ જ તેના પરથી પરદો ઉઠશે.




