Rajkot: મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટ જિલ્લામાં પ્રથમવાર એકસાથે કુલ ૧૦૯ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે
તા.૧૩/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
લોધીકા તાલુકાના મેટોડા ગામ ખાતે ૧૪ ઓગસ્ટે ૧૨૩૨ લાખના ખર્ચે નિર્માણ પામનારી ૧૦૩ આંગણવાડીનું ખાતમુહૂર્ત અને ૫૧ લાખના ખર્ચે નિર્મિત ૦૬ આંગણવાડીનું લોકાર્પણ કરાશે
Rajkot: ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે, રાજકોટ જિલ્લામાં પ્રથમવાર એકસાથે કુલ ૧૦૯ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે. જેમાં અંદાજે રૂ. ૧૨૩૨ લાખના ખર્ચે નિર્માણ પામનારી ૧૦૩ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને આશરે રૂ. ૫૧ લાખના ખર્ચે નવનિર્મિત ૦૬ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાશે. આ કાર્યક્રમ તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ લોધીકા તાલુકાના મેટોડા ગામ ખાતે યોજાશે.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં લોધીકા તાલુકામાં મેટોડા-૧, મેટોડા-૨, ખીરસરા-૨, હરીપરપાળ-૨ તથા કોટડાસાંગાણી તાલુકામાં કોટડાસાંગાણી-૫, જૂની મેંગણી-૨ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત, લોધીકા તાલુકામાં ૦૫, કોટડાસાંગાણી તાલુકામાં કુલ ૧૦, વિંછીયા તાલુકામાં ૦૯, જસદણ તાલુકામાં કુલ ૧૬, રાજકોટ (ગ્રામ્ય) તાલુકામાં ૧૩, જામકંડોરણા તાલુકામાં ૦૮, ઉપલેટા તાલુકામાં ૦૩, ગોંડલ તાલુકામાં ૧૯, જેતપુર તાલુકામાં ૧૪, ધોરાજી તાલુકામાં ૦૬ આંગણવાડી કેન્દ્રો ખાતમુહૂર્ત કરાશે.
નોંધનીય છે કે મંત્રીશ્રી અને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સઘન પ્રયત્નોના પરિણામે જિલ્લામાં એકસાથે કુલ ૧૦૯ આંગણવાડી કેન્દ્રોને સુવિધાયુક્ત ભવન મળવા જઈ રહ્યાં છે. જેનાથી બાળકો, કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રીઓને સુગમ્ય વાતાવરણમાં સરકારી યોજનાઓના લાભ મળી રહેશે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, કારોબારી સમિતિ, મહિલા અને બાળ વિકાસ સમિતિ અને શિક્ષણ સમિતિના ચેરમેન સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહેશે, તેમ સંકલિત બાળ વિકાસ યોજના કચેરીની યાદીમાં જણાવાયું છે.