
ઝાંક ગામના તાબદા ફળીયામાંથી રૂ. 1.10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ઝડપાયો – બે ફરાર,
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત ઝાંક ગામના તાબદા ફળીયામાં દરોડો પાડી પોલીસે રૂ. 1,10,592 કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર વાય. એસ. શિરસાઠના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. જી. ખોથ તથા પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ ગિરધરભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઝાંક ગામના તાબદા ફળીયામાં રહેતા સવિલાલભાઈ રણજીતભાઈ વસાવાના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન મકાનમાંથી કોઈપણ પાસ-પરમિટ વિના રાખવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની 576 બોટલો, કુલ કિંમત રૂ. 1,10,592નો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર જથ્થો કબજે કરી સવિલાલભાઈ રણજીતભાઈ વસાવા (ઉંમર 38, રહે. ઝાંક, તાબદા ફળીયું, તા. ચિકદા, જી. નર્મદા)ની ધરપકડ કરી હતી.
આ કેસમાં અરવિંદભાઈ હેરીયાભાઈ વસાવા (રહે. ઝાંક, તાબદા ફળીયું) તથા અન્ય એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આરોપીઓ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. આર. ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે આવી જ રીતે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.



