શહેરાના ડેમલી પાસેથી પાસ-પરમીટ વગરના લાકડા ભરેલી ટ્રક સાથે વન વિભાગે 3.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા પંથકમાં વન સંપત્તિનું રક્ષણ કરવા અને લાકડાની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે વન વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શહેરા રેન્જ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ડેમલી ગામ પાસેથી પાસ-પરમીટ વગર લીલા લાકડા ભરેલી એક ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરાના મે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.વી. પટેલની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ શહેરા રેન્જ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે ડેમલી ગામ પાસેથી પસાર થતી એક ટ્રક નંબર GJ 16 U 8881 ને શંકાના આધારે અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી લીલા તાજા પંચરાઉ લાકડા મળી આવ્યા હતા. ચાલક પાસે આ લાકડાના વહન માટે જરૂરી પાસ કે પરમીટ ન હોવાનું જણાયું હતું. પ્રાથમિક તપાસમાં આ લાકડાનો જથ્થો નડિયાદ ખાતે વેચાણ અર્થે લઈ જવામાં આવી રહ્યો હોવાનું ખુલ્યું હતું.
વન વિભાગે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી ટ્રક અને લાકડા સહિત અંદાજે રૂપિયા 3,80,000 નો મુદ્દામાલ સરકાર હસ્તક કબજે લીધો છે અને વધુ તપાસ અર્થે વાહનને શહેરા રેન્જ કચેરીના કમ્પાઉન્ડ ખાતે ખસેડવામાં આવ્યું છે.આ દરોડા અને જપ્તીની કામગીરીમાં ખાંડિયાના રાઉન્ડ ફોરેસ્ટર આર.એસ. ચૌહાણ અને શહેરાના રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી. માલીવાડ સાથે બીટ ગાર્ડ જી.ટી. પરમાર સી.સી. પટેલ તેમજ એલ.ડી. રબારી સહિતનો સ્ટાફ જોડાયો હતો. વન વિભાગની આ લાલ આંખને પગલે લાકડા ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.






