NATIONAL

કેન્દ્રના 72માંથી 29 અને રાજ્ય સરકારોના 273 પ્રધાનો સામે ક્રિમિનલ કેસ ! : ADR

નવી દિલ્હી : દેશના રાજકારણને અપરાધમુક્ત કરવાની વાતો ફક્ત વાતો જ લાગે છે, દેશનું રાજકારણ ગુનાખોરીથી મુક્ત થવાની સંભાવના સ્વપ્નવત લાગે તેવી વાત એડીઆર રિપોર્ટમાં આવી છે. એડીઆર રિપોર્ટ મુજબ દેશના કુલ ૪૭ ટકા પ્રધાનો એટલે કે લગભગ અડધો અડધ પ્રધાન સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે. આ સંજોગોમાં રાજકારણ ગુનામુક્ત તો ન થાય, પણ ગુનાયુક્ત થયું હોવાની જરૂર કહી શકાય.

એડીઆર (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) પણ ત્યારે આવ્યો છે જ્યારે સંસદમાં ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા છે જેમા વડાપ્રધાન, મુખ્યપ્રધાનો અને પ્રધાનોની ધરપકડ થાય કે પાંચ વર્ષ કે તેનાથી વધારે સમયની સજા માટેના ગંભીર ફોજદારી ગુના માટે સળંગ ૩૦ દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવે તો તેમણે હોદ્દા પરથી રાજીનામુ આપવું પડશે. એડીઆરે આ માટે દેશની કુલ ૨૭ વિધાનસભા, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય કેબિનેટ પ્રધાનોના કુલ ૬૪૩ સોગંદનામાની ચકાસણી કરી હતી, તેમા તેણે જોયું કે કુલ ૩૦૨ પ્રધાનો એટલે કે અડધોઅડધ કહેવાય તેટલા પ્રધાનોની સામે ફોજદારી કેસો હોવાનું જણાઈ આવ્યું હતું. આ ૩૦૨ પ્રધાનોમાં ૬૦ ટકાથી પણ વધારે એટલે કે ૧૭૪ પ્રધાનોની સામે તો ગંભીર ફોજદારી કેસ છે, એમ રિપોર્ટે જણાવ્યું હતું.

એડીઆર વિશ્લેષણ મુજબ ભાજપના કુલ ૩૩૬ પ્રધાનમાં ૪૦ ટકા એટલે કે ૧૩૬ પ્રધાનાએ તો પોતે જ તેમની સામે ફોજદારી કેસ હોવાનું જાહેર કર્યુ છે. તેમા ૨૬ ટકા એટલે કે ૮૮ પ્રધાનોની સામે ગંભીર ગુના છે.

કોંગ્રેસ ચાર રાજ્યોમાં સત્તામાં છે. તેના ૭૪ ટકા એટલે કે ૪૫ પ્રધાનોની સામે ફોજદારી કેસ છે. તેમા ૩૦ ટકા એટલે કે ૧૮ની સામે ગંભીર ગુના નોંધાયેલા છે.

આ ઉપરાંત ડીએમકેના કુલ ૩૧ પ્રધાનોમાંથી ૨૭ એટલે કે ૮૭ ટકા સામે ફોજદારી કેસ છે. જ્યારે ૪૫ ટકા એટલે કે ૧૪ની સામે ગંભીર ફોજદારી ગુના નોંધાયેલા છે. તૃણમૂલ કોંગ્રેસના ૩૩ ટકા એટલે કે ૪૦માંથી ૧૩ની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમા ૨૦ ટકા એટલે કે ૮ની સામે ગંભીર ગુના છે.

તેલુગુદેશમ પાર્ટીમાં ગુનેગાર પ્રધાનોનું સૌથી ઊંચું પ્રમાણ છે. તેમા કુલ ૨૩ પ્રધાનોમાંથી ૨૨ પ્રધાનો સામે એટલે કે ૯૬ ટકા પ્રધાનો સામે ગુના નોંધાયેલા છે. તેમાથી ૫૭ ટકા એટલે કે ૧૩ પ્રધાનની સામે ગંભીર ગુના નોંધાયેલા છે. આમ આદમી પાર્ટી (આપ)ના પ્રધાનોમાં જોઈએ તો ૧૬માંથી ૧૧ એટલે કે ૬૯ ટકા પ્રધાનો સામે ફોજદારી કેસો છે. તેમાથી પાંચ એટલે કે ૩૧ ટકા સામે ગંભીર કેસો છે. હવે રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ૭૨ કેન્દ્રીય પ્રધાનોમાંથી ૪૦ ટકા એટલે કે ૨૯ પ્રધાનોએ તેમની સામે ફોજદારી કેસ હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.

રાજ્યોમાં જોઈએ તો કુલ ૧૧ વિધાનસભામાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગણા, હિમાચલ પ્રદેશ અને પુડુચેરીના ૬૦ ટકાથી વધારે પ્રધાનોની સામે ફોજદારી કેસ છે. તેનાથી વિપરીત હરિયાણા, જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડના પ્રધાનોની સામે કોઈ ફોજદારી કેસ જ નોંધાયા નથી.

પક્ષ

ગંભીર ગુનાવાળા મંત્રીઓ

ભાજપ

૮૮

કોંગ્રેસ

૧૮

ડીએમકે

૧૪

ટીએમસી

૦૮

તેલુગુદેશમ

૧૩

આમ આદમી

૦૫

Back to top button
error: Content is protected !!