AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળીનાં કર્તાહર્તાઓ સામે પૂર્વ પ્રમુખ અને સભાસદોએ ગંભીર આક્ષેપ લગાવતા મંડળી વિવાદનાં ઘેરામાં આવી..

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળીનાં માજી પ્રમુખ સહીત અન્ય સભાસદોએ હાલમાં મંડળીના વહીવટ કર્તાઓ સામે કરોડો રૂપિયાનાં ભ્રષ્ટાચારનાં આક્ષેપો લગાવી મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ..

ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળી લી.આહવાનાં વહીવટ કરનારાઓની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે બનસભાઈ જીવુભાઈ ચોર્યા માજી પ્રમુખ ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી આહવા અને અન્ય સભાસદો દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી તેઓની માંગણી અને રજૂઆત કરવામાં આવેલ છે.તેઓએ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે ગુજરાત રાજ્યનાં તત્કાલીન સચિવ અને આયુર્વેદનાં હિમાયતી એવા ડૉ એસ.કે.નંદા સાહેબે જે તે સમયે એટલે કે 1982ના વર્ષમાં ડાંગ જિલ્લાનાં આદિવાસી લોકોને ઘરઆંગણે રોજી રોટી મળી રહે તથા નજીવા દરે આયુર્વેદિક સારવાર અને દવાઓ મળી રહે તે માટે જિલ્લાના વહીવટી મથક આહવાનાં સરદાર કોલોનીમાં ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળી લી.આહવા ડાંગની સ્થાપના કરવામાં આવી હતી.જે મંડળીમાં ડાંગ જિલ્લાનાં જંગલોમાંથી મળતી જડીબુટ્ટીમાંથી દવા બનાવી જિલ્લાનાં આયુર્વેદિક દવાખાનાઓ સહીત રાજયનાં આયુર્વેદિક હોસ્પિટલોમાં વેચાણ કરવાનું નક્કી કરાયુ હતુ.જેથી સ્થાનિક કક્ષાએ ભગત મંડળી સહીત લોકોને રોજગારી મળી રહે તેવો આશય હતો.અને શરૂઆતના થોડાક વર્ષો સુધી ડાંગ જિલ્લાની આ આયુર્વેદિક સહકારી મંડળીએ સ્થાનિક કક્ષાએથી જડીબુટ્ટી ભેગી કરી સારૂ ઉત્પાદન મેળવી આયુર્વેદ દવાઓ ક્ષેત્રે ખૂબ જ નામનાં મેળવી જે સરાહનીય બાબત છે.પરંતુ ત્યારબાદ ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળી લી.આહવાનાં હાલમાં કારભાર સંભાળતા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે.  આ મંડળીમાં વર્ષ 2015 થી આજદિન સુધી કોઈ પણ સાધારણ સભા લીધેલ નથી કે બોલાવેલ નથી,તેમજ કોઈ પણ સભા લીધા વગર તેઓના પરિવારજનોને સભાસદો બનાવી સ્થાનિકો જોડે અન્યાય કરેલ છે.અને  બિન સભાસદોને નોકરી પર રાખવામાં આવેલ છે.વધુમાં હાલના વહીવટ કર્તાઓએ દવા બનાવટ, ખરીદી, ઉત્પાદન, વાહનોનાં પેટ્રોલ ડીઝલ સહિતનાં બિલો બોગસ રજૂ કરી તથા મંડળીનાં બિલોમાં ચેડા કરી કરોડો રૂપિયાની ઉચાપત કરી રાજ્ય સરકારને ચુનો ચોપડેલ છે.વધુમાં જણાવવાનું કે ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસીમાં અન્ય જિલ્લામાંથી આયુર્વેદિક દવાઓ લાવી અને ડાંગ આયુર્વેદિક ફાર્મસીનું લેબલ લગાવી દવા સપ્લાય કરવામાં આવી રહી છે. સાથે ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળી દ્વારા બહાર થી ડૂબલિકેટ દવાઓ લાવી તેઓનું લેબલ લગાવી વેચાણ કરી રાજયનાં જનજીવનનાં આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે.જેથી ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળી દ્વારા બજાર, મેડિકલ અને હોસ્પિટલમાં વેચાણ કરાયેલ દવાઓ સામાન્ય જનજીવનનાં આરોગ્યને ગંભીર રીતે નુકશાન સહીત આડઅસર કરી શકે તેવી સંભાવના વધી છે. અને સાપુતારા ખાતે આવેલ અમૃત આયુર્વેદ હોસ્પિટલમાં પણ વિવિધ થેરાપીનાં નામે મોટી રકમ વસૂલી દર્દીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી રહી છે.અહી પણ દર્દીઓને યોગ્ય સારવાર ન આપી માત્ર છેતરપિંડી કરવામાં આવે છે.હાલમાં ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળીનાં  પ્રમુખ, મંત્રી અને હિસાબનીશ દ્વારા પોતાના અંગત કામો માટે સહકારી મંડળીનાં વાહનોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તથા છેલ્લા ઘણા વર્ષોથી ફાર્મસી મંડળીના પ્રમુખ, મંત્રી અને હિસાબનીશ દ્વારા મંડળીનાં નાણાકીય હિસાબોને યોગ્ય સરવૈયામાં આકારવા માટે ઓડિટરોને લાખો રૂપિયાનું નેવૈધ ચઢાવવામાં આવી રહ્યું છે.અને નાણાકીય હિસાબ કે રિપોર્ટ કે અહેવાલ આજદિન સુધી સભાસદોને વંચાણમાં મુકેલ નથી કે બતાવેલ નથી. ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળીનાં પ્રમુખ, મંત્રી તથા નરેશભાઈ અમૃતભાઈ પરમારનાઓ સામે કોઈ પણ ફરિયાદ કરવામાં આવે તો જણાવે છે કે,” અમારી મંડળી ની વાર્ષિક આવક કરોડો રૂપિયાની છે.અમે ધારીએ તો ડાંગ જિલ્લા સહિત રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓ,વકીલ, પોલીસને લાખો રૂપિયા આપી તમારા જ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલમાં બેસાડી દઈશુ.”ની ગર્ભિત ધમકીઓ આપવામાં આવે છે.  આવા અનેક આક્ષેપ માજી પ્રમુખ અને સભાસદો દ્વારા કરવામાં આવી રહ્યા છે.તેમજ ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળી લી. આહવાના પ્રમુખ, મંત્રી અને હિસાબનીશ સામે યોગ્ય તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ સહકારી મંડળી પૂર્ણ રીતે સરકાર હસ્તક લઈ લેવામાં આવે તેવી માંગણી સાથે માજી પ્રમુખ તથા અન્ય સભાસદોએ ઉચ્ચસ્તરે આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે..

Back to top button
error: Content is protected !!