ઇડરના ફિંચોડ ખાતે નવીન ગ્રંથાલય ભવનના નિર્માણનો ભૂમિ પૂજન સમારોહ ગ્રંથાલય નિયામકશ્રી ડૉ.પંકજ ગોસ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો



ઇડરના ફિંચોડ ખાતે નવીન ગ્રંથાલય ભવનના નિર્માણનો ભૂમિ પૂજન સમારોહ ગ્રંથાલય નિયામકશ્રી ડૉ.પંકજ ગોસ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો
***
સાબરકાંઠા જિલ્લામાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કોલકત્તાના આર્થિક સહયોગથી ઈડર તાલુકાના ફીંચોડ ખાતે શ્રી હરી સાર્વજનિક વાંચનાલય/પુસ્તકાલયના નવીન ગ્રંથાલય ભવનના નિર્માણનો ભૂમિ પૂજન સમારોહ ગુજરાત રાજ્ય ગ્રંથાલય નિયામકશ્રી ડૉ.પંકજ ગોસ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગ્રંથાલય નિયામકશ્રી ડૉ.પંકજ ગોસ્વામીએ જણાવ્યું હતું કે પુસ્તકાલય એ એક એવું સ્થળ છે જ્યાં જ્ઞાન અને વિચાર વિમર્શનું સમારંભ થાય છે. આ જગ્યા બાળકો, યુવાનો અને વર્તમાન પેઢી માટે નવી માહિતી મેળવવાનો અને પોતાના વિચારોને વિકસાવવાનો શ્રેષ્ઠ માધ્યમ છે.પુસ્તકાલયના નિર્માણથી માત્ર પુસ્તકો જ નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળે છે.
આ નવીન ગ્રંથાલય ભવનના નિર્માણ થકી આજુ બાજુના ગામના વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે અને નવા વિચારો અને દૃષ્ટિકોણો સાથે પરિચિત થશે. સાહિત્ય, વૈજ્ઞાનિક અભ્યાસ અને ઈતિહાસને સમજવા માટે સુંદર માધ્યમ મળી રહેશે.
આ કાર્યક્રમમાં સદગુરુ શાસ્ત્રી સ્વામીશ્રી પુરુષોત્તમ પ્રકાશદાસજી જેતલપુર ધામ દ્વારા પ્રેરક ઉદબોદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પુસ્તકાલયના સંચાલકશ્રી નારાયણભાઈ પટેલને આ નવીન વિચાર માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ આ અવસરે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે યુનિવર્સિટી કક્ષાએ અવ્વલ નંબર મેળવનાર હેમાંગીબેન મયંકકુમાર પટેલને નિયામકશ્રીના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી કનુભાઈ પટેલ,ભૂમિ પૂજનના દાતા શ્રી રમણભાઈ પટેલ, ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, સહિત વાચકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા




