GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

મચ્છરથી થતા રોગ ટાળવા સ્વચ્છતા રાખો

 

*જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વરસાદી પાણીના નિકાલ અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ*

*જુલાઈ માસમાં ”ડેન્ગ્યુ વિરોધી માસ” નિમિતે આરોગ્ય શાખા દ્વારા સમગ્ર શહેરમાં જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવશે*

*જામનગર (નયના દવે)

જામનગરમાં હાલમાં વર્ષાઋતુનો સમયગાળો છે. તેથી સમગ્ર શહેરમાં નાગરિકોના ઘરની છત પર, નકામા પડી રહેલ સરસામાન, નાના મોટા ખાડા, ખાબોચિયામાં વરસાદી પાણીના ભરવાના કારણે મચ્છરની ઉત્પત્તિમાં વધારો થવાની શક્યતા રહેલી છે. જેનાથી મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસોમાં પણ વધારો થવાની શક્યતા રહેલી છે.

તેને ધ્યાનમાં રાખતા જામનગર શહેરમાં 12 આરોગ્ય કેન્દ્ર પર વાહકજન્ય રોગ અટકાયત અંગેની કામગીરી હાલમાં ચાલુ છે. જેમાં હાઉસ ટુ હાઉસ સર્વે, લોકોમાં વાહકજન્ય રોગ પ્રત્યે જાગૃતિ લાવવાના કાર્યો, એબેટ કામગીરી, ઈન્ટ્રા ડોમેસ્ટિક એન્ટી લાર્વલ સર્વેલન્સ કામગીરી વગેરે જેવા વિવિધ રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી રહી છે.

તે માટે તમામ શહેરીજનોનો પુરતો સહકાર મળી રહે તે ખુબ જ અગત્યની બાબત છે. આવા મચ્છરજન્ય રોગોને નિયંત્રિત કરવા માટે દરેક શહેરીજનોને આરોગ્ય શાખા દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે. ઘરમાંથી તેમજ ઘરની આસપાસ ભરાયેલા પાણીમાંથી મચ્છરોની ઉત્પત્તિ અટકાવી શકાય તે માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

(1) ખુલ્લામાં પડી રહેલા ટાયર, નકામો સરસામાન વગેરેમાં વરસાદનું પાણી ભરાવાથી મચ્છરની ઉત્પત્તિ થાય છે. તેનાથી મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, ચીકુનગુનિયા અને મેલેરિયાના ફેલાવાની શક્યતા વધી જાય છે. તેથી જામનગર શહેરના ટાયરના વિક્રેતાઓ, ટાયર-પંચરના ધંધાર્થીઓ, ભંગારના વેપારીઓ વગેરેએ તાત્કાલિક ધોરણે ખુલ્લામાં પડી રહેલા ટાયર, ભંગાર, જૂનો સરસામાન વગેરેનો નિકાલ કરવા કે શેડ વાળી જગ્યા પર પાણી ભરાય ન રહે તે રીતે તેને મૂકી દેવા જણાવવામાં આવે છે.

(2) રહેણાંક મકાનો, દુકાનો, કોમર્શિયલ કોમ્પલેક્ષ, તેની આજુબાજુના વિસ્તારોમાં, સરકારી અને બિનસરકારી તમામ સંસ્થાઓને તેમના કેમ્પસ વિસ્તારો અને કોમ્પલેક્ષના છત પર પ્રિ-મોનસૂન એક્ટીવીટી સબબ વરસાદી પાણી ભરાઈ ન રહે તે માટે છત પર પડી રહેલો નકામો ભંગાર દુર કરાવી, સફાઈ કરાવી લેવા અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

(3) શહેરના તમામ નાગરિકોએ તેમના ઘરની અંદર કોઈપણ પાણી ભરેલા પાત્ર ખુલ્લું ન રહે તે અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ.

(4) પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા જોઈએ.

(5) પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર, ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક અને વ્યવસ્થિત રીતે સાફ કરવી જોઈએ.

(6) પાણીના નાના ખાડા, ખાબોચિયામાં ભરાયેલા વરસાદી પાણીને વહેડાવી દો કે તેને માટીથી પૂરી દો.

(7) મોટા પાણીના ભરાવામાં બળેલું ઓઈલ કે કેરોસીન નાખવું જોઈએ. જેથી મચ્છર ઉત્પતિ પર નિયંત્રણ લાવી શકાય.

(8) અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલા પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ.

(9) ચોમાસામાં નકામા ટાયરો, ખાલી વાસણો, ધાબા પરના ડબ્બા, અન્ય જુના સરસામાનમાં વરસાદી પાણી ભરાવા દેવું ના જોઈએ.

(10) મચ્છરોના કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. આખી બાંયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરે મેડિકેટેડ વસ્તુઓનો ઉપયોગ કરો.

(11) ડ્રાય ડે ઉજવો : દર અઠવાડિયે એકવાર સવારે 10:00 કલાકે 10:00 મિનીટનો સમય કાઢીને ઘરમાં ઉપયોગમાં લેવાતા તમામ પાણીના પાત્રોને ખાલી કરીને તેને ઘસીને સાફ કરવા જોઈએ. તેને સુકવ્યા બાદ જ ફરીથી તે સાધનો ઉપયોગમાં લેવા જોઈએ. જામનગર શહેરના તમામ નાગરિકોને અત્રે જણાવેલ માર્ગદર્શિકાનું ખાસ પાલન કરવા માટે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, આરોગ્ય શાખા, જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

*000000*

Back to top button
error: Content is protected !!