ઉત્તરાયણમાં આણંદમાં ઘાયલ પક્ષીઓ માટે મફત સારવાર, હેલ્પલાઇન નંબર જાહેર

ઉત્તરાયણમાં આણંદમાં ઘાયલ પક્ષીઓ માટે મફત સારવાર, હેલ્પલાઇન નંબર જાહેર
તાહિર મેમણ – આણંદ – 10/01/2025 – આણંદ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ‘કરુણા અભિયાન’ અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના તમામ 8 તાલુકાઓમાં સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. ઘાયલ પક્ષીઓ માટે વન વિભાગનો હેલ્પલાઇન નંબર (02692-264855, 264854), વેબસાઇટ હેલ્પલાઇન (8320002000) અને એનિમલ હેલ્પલાઇન (1962) કાર્યરત કરવામાં આવ્યા છે.
આણંદ, આંકલાવ, બોરસદ, પેટલાદ, ખંભાત, ઉમરેઠ, તારાપુર અને સોજીત્રા તાલુકામાં પશુ સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે જો કોઈ ઘાયલ પશુ-પક્ષી જોવા મળે તો નજીકના સારવાર કેન્દ્ર પર લઈ જવા.
પક્ષીઓને બચાવવા માટે વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ઉડાડવા, ચાઇનીઝ દોરી કે કાચ વાળી દોરીનો ઉપયોગ ન કરવા અને લાઉડસ્પીકર કે ફટાકડાનો ઉપયોગ ટાળવા સૂચના આપવામાં આવી છે. પશુપાલકોને પણ પોતાના પશુઓને બાજરી/જુવાર વધુ પ્રમાણમાં ન ખવડાવવા સલાહ આપવામાં આવી છે.



