૪૦ વર્ષ બાદ મિત્રતા ફરી ખીલી: જગાણા ખાતે ૧૯૮૫ બેચનું ભાવસભર સ્નેહમિલન

30 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જૂની યાદો બની તાજી, ગુરૂજીઓ સાથે ૪૦ વર્ષ બાદ સહાધ્યાયીઓનું મિલન જગાણા પ્રાથમિક શાળા ખાતે સને-૧૯૮૫ બેચના સહાધ્યાયી મિત્રોનું “પ્રથમ સ્નેહમિલન – ૨૦૨૬” ભાવસભર અને ભવ્ય રીતે યોજાયું હતું. લગભગ ૪૦ વર્ષ બાદ એકત્રિત થયેલા મિત્રો અને તેમને ભણાવનાર ગુરૂજીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ સ્મરણિય બનાવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત સવારે ૯:૩૦ કલાકે ગુરૂજીઓ અને મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ સ્નેહમિલનનો મુખ્ય ઉદ્દેશ સહાધ્યાયી મિત્રો વચ્ચે ભાવદર્શન સર્જવો, જૂની મિત્રતાને ફરી તાજી બનાવવી અને જીવનના અનુભવોને એકબીજા સાથે વહેંચવાનો રહ્યો હતો.આ પ્રસંગે સને-૧૯૮૫ બેચના અવસાન પામેલા આશરે ૧૬ સહાધ્યાયી મિત્રોને યાદ કરી બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ક્ષણે ઘણા મિત્રો ભાવુક બની ગયા હતા અને આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે નિવૃત નાયબ પોલીસ અધિક્ષક શ્રી રતનજીભાઈ એચ. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના નોટરી અને એડવોકેટ શ્રી ભેમજીભાઈ જી. ચૌધરીએ ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું.અતિથિ વિશેષ તરીકે જગાણા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ ગુરુજનો—શ્રી રામસુંગભાઈ બી. દેસાઈ (પૂર્વ મુખ્યશિક્ષક), શ્રી નટવરલાલ વી. નાયક (રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા-૨૦૦૦), શ્રી લાલજીભાઈ આર. જુડાલ અને શ્રીમતી કાંતાબેન કે. ભાટી સહિતના આદરણીય શિક્ષકોનું શાલ, ખેસ અને બુકે આપી વિધિવત સન્માન કરવામાં આવ્યું હતું.સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં સહાધ્યાયી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મળીને બાળપણના દિવસોની યાદોને ફરી જીવંત બનાવી હતી. કાર્યક્રમના અંતે સૌ માટે ભોજનની સુંદર વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.આ સમગ્ર આયોજન સહાધ્યાયી મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય આયોજનકર્તા તરીકે પત્રકાર શ્રી રતિભાઈ લોહ અને તેમની ટીમે ઉત્તમ વ્યવસ્થા ઉભી કરી હતી. વર્ષો બાદ મળેલા મિત્રો વચ્ચેનો આનંદ અને લાગણીસભર “ભાવદર્શન” સમગ્ર કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવામાં સફળ રહ્યો હતો.








