ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન સોનેલા ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો.

ડો. બાબાસાહેબ આંબેડકર ભવન મોટા સોનેલા ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો.
મહીસાગર :- અમીન કોઠારી
૫૬૦ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૯૧.૯૩ લાખથી વધુ રકમની સહાય વિતરણ કરાઇ.

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્લી હસ્તકના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની એડીપ યોજના હેઠળ ભારતીય ક્રુત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો) ઉજ્જૈન, સામાજિક અને અધિકારીતા વિભાગ ગાંધીનગર અને મહીસાગર જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનોના વિતરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૬૦ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.૯૧.૯૩ લાખથી વધુ રકમના ખર્ચે મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરવામાં આવી હતી.
આ અગાઉમહિસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ૦૧ જુલાઇ ૨૦૨૪ થી ૦૬ જુલાઇ ૨૦૨૪ દરમ્યાન દિવ્યાંગ વ્યક્તિઓને સહાયક ઉપકરણ આપવા માટે એસેસમેન્ટ કેમ્પ કરવામાં આવેલ હતા.જેમાં મહીસાગર જિલ્લાના કુલ ૫૬૦ લાભાર્થીઓ માટે કુલ- ૧૦૬૭ સાધનો મંજુર કરવામાં આવ્યા હતા તે અનુસાર જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો જેવા કે, મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ, વ્હિલચેર, ટ્રાયસિકલ, કેલિપર્સ, બ્રેઈલ સ્ટીક, બ્રેઈલ કિટ, કાનના સાંભાળવાના મશીન, સી. પી. ચેર, સ્માર્ટ ફોન, સુગમ્ય કેન, વોર્કિંગ સ્ટીક વગેરે જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉજ્જૈન એલીમ્કો ડેપ્યુટી મેનેજરશ્રી બંસીલાલ સાકેત દ્વારા સ્વાગત પ્રવચન અને જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુશ્રી ભાર્ગવી નીનામાએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
				



