GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જરૂરીયાતમંદોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરતું ‘જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન’

તા.૯/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

માર્ગી મહેતા

માત્ર ૨૦ રૂપિયાના પ્રિમિયમમાં વ્યક્તિની ગેરહાજરીના સમયે પરિવારોને બે લાખનું વળતર આપવા માટે સરકારનો આભાર : લાભાર્થી શ્રી પિયુષભાઈ ભટ્ટ

અકસ્માતને કારણે થતા મૃત્યુ અથવા દિવ્યાંગતા માટે કવચ પૂરું પાડતી ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’

Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ કલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં સામાન્ય માનવીને રાખ્યો છે. વડાપ્રધાનશ્રીના નાગરિક કલ્યાણલક્ષી અભિગમની પ્રેરણાથી દેશભરમાં ગત તા. ૦૧ જુલાઈથી ‘જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન’નો આરંભ થયો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી આ અભિયાનનો પ્રારંભ કરાવી આગામી ત્રણ માસ સુધીમાં નાગરિકોના સુરક્ષિત, સુખી અને ગરિમાપૂર્ણ જીવન માટેની વિવિધ જન સુરક્ષા યોજનાઓના લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવા આહવાન કર્યુ છે.

જે અન્વયે રાજકોટ તાલુકાના સરધાર ગામમાં બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે નાણાકીય સમાવેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ઉપસ્થિત શ્રી પિયુષભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ અંતર્ગત માત્ર ૨૦ (વીસ) રૂપિયાના વાર્ષિક પ્રિમિયમમાં અકસ્માતને કારણે આવતી દિવ્યાંગતા કે મૃત્યુના કેસમાં સરકાર દ્વારા રૂ.બે લાખનું વીમા કવચ પુરુ પાડવામાં આવે છે. ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારો માટે ઘરના વ્યક્તિની ગેરહાજરીમાં આ રકમ આધારરૂપ બની રહે છે. આવી જનહિતલક્ષી યોજના માટે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ એ એક વર્ષની અકસ્માત વીમા યોજના છે, જે અકસ્માતને કારણે થતા મૃત્યુ અથવા દિવ્યાંગતા માટે કવચ પૂરું પાડે છે. દર વર્ષે તેને રિન્યૂ કરી શકાય છે. ૧૮થી ૭૦ વર્ષની વય જૂથની વ્યક્તિ બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતી હોય તો તેઓ આ યોજના હેઠળ નોંધણી કરવા માટે પાત્ર છે. વાર્ષિક રૂપિયા ૨૦ના પ્રીમિયમની ચુકવણી કરવા પર અકસ્માતને કારણે થતા મૃત્યુ અથવા દિવ્યાંગતા માટે રૂપિયા બે લાખનું આકસ્મિક મૃત્યુ અને દિવ્યાંગતા વીમા કવચ (આંશિક દિવ્યાંગતાના કિસ્સામાં રૂ. ૦૧ લાખ) મળે છે.

ખાતાધારકો બેન્કની શાખા / બી.સી. પોઇન્ટ અથવા બેન્કની વેબસાઇટ પર જઇને અથવા પોસ્ટ ઓફિસમાં બચત બેન્ક ખાતુ ધરાવતા હોય તો પોસ્ટ ઓફિસ પર જઇને આ યોજના હેઠળ નોંધણી કરાવી શકે છે. આ યોજના હેઠળનું પ્રીમિયમ દર વર્ષે સબસ્ક્રાઇબરના બેન્ક ખાતામાંથી આપમેળે ભરાય જાય છે. આ યોજના અને ફોર્મ વિશે વિગતવાર માહિતી (હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં) https://jansuraksha.gov.in પર ઉપલબ્ધ છે.

શું છે જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન

તા. ૩૦ સપ્ટેમ્બર એટલે કે ત્રણ માસ સુધી ચાલનારા ‘જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ અન્વયે નાગરિકોના સુરક્ષિત, સુખી અને ગરિમાપૂર્ણ જીવન માટે નાણાકીય સમાવેશનની વિવિધ યોજનાઓના લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરાશે. આ અભિયાન દરમિયાન ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના’, ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’, ‘અટલ પેન્શન યોજના’, હાલના જનધન ખાતાઓ માટે કે.વાય.સી. ફરીથી પૂર્ણ કરવું અને પુખ્ત વયના લોકોના જનધન ખાતા ખોલવા ઉપરાંત ડિજિટલ ફ્રોડ સામે જાગૃતિ જેવા વિષયોને આવરી લેવાશે. ગામે ગામ કેમ્પ યોજી વધુને વધુ લાભાર્થીઓ સુધી આ યોજનાની વિગતો પહોંચે તે માટેની કામગીરી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!