ગુજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગાંધી જયંતીનું ભવ્ય આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠ ખાતે મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે વિદ્યાપીઠ પરિસરમાં શ્રમદાન કર્યું હતું તેમજ ડિજિટલ પેમેન્ટ દ્વારા ખાદીની ખરીદી કરીને સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો.
ગાંધી જયંતી તથા લાલ બહાદુર શાસ્ત્રી જયંતીના અવસરે રાજ્યપાલે ગાંધીજી અને શાસ્ત્રીજીના જીવન આદર્શોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીજીના સ્વાવલંબન, સ્વચ્છતા અને સ્વદેશીના વિચારો આજના સમયમાં એટલા જ જીવંત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “મેક ઇન ઇન્ડિયા”, “વોકલ ફોર લોકલ” અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાન દ્વારા બાપુના આદર્શોને સાકાર કર્યા છે.
કાર્યક્રમ દરમ્યાન રાજ્યપાલે અંગ્રેજોના શાસન, બાપુની લડત અને સ્વદેશીના મહત્ત્વ અંગે વિસ્તૃત વાત કરી હતી. તેમણે કહ્યું કે બાપુએ સંસાધનોના અભાવ વચ્ચે પણ તપસ્વીની જેમ પરિશ્રમ કરીને રાષ્ટ્રને આત્મનિર્ભરતા તરફ દોરી ગયું હતું. ગામડાઓમાં કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાના બાપુના આગ્રહને વડાપ્રધાન આજે નવી ઉર્જા આપી રહ્યા છે.
શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે આ અવસરે કહ્યું કે સ્વદેશી આપણા સ્વાભિમાન અને રાષ્ટ્રીય એકતાનો આધાર છે. તેમણે સૌને યુગાનુકૂળ સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવડાવ્યો અને જણાવ્યું કે વિકસિત ભારતની સંકલ્પના સ્વદેશી અને સ્વાવલંબન દ્વારા જ શક્ય છે. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે કરાયેલા પ્રયત્નોની પ્રશંસા કરી.
કાર્યક્રમમાં ભૂતપૂર્વ મંત્રી અને વિદ્યાપીઠના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ સ્વદેશીના મહત્ત્વ અંગે પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે લોકોને રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાની અપીલ કરી અને વ્યસન મુક્ત સમાજ માટે સૌને સંકલ્પિત થવા અનુરોધ કર્યો.
ગાંધી જયંતી નિમિત્તે વિદ્યાપીઠના મોરારજી દેસાઈ મંડપમ ખાતે કાર્યક્રમની શરૂઆત “વૈષ્ણવ જન…” ભજનથી કરવામાં આવી હતી. વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદ પટેલે સ્વાગત પ્રવચન આપતાં આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી “સંકલ્પ સ્વદેશી પદયાત્રા” વિશે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ 18 હજાર ગામોમાં જઈ “હર ઘર સ્વદેશી”નો સંદેશ પહોંચાડશે.
આ પ્રસંગે વિદ્યાપીઠના ટ્રસ્ટી આયેશાબેન પટેલ, સુરેશભાઈ રામાનુજ, કુલસચિવ ડો. હિમાંશુ પટેલ, વિવિધ વિભાગોના પ્રાધ્યાપકો, સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલી આ ગાંધી જયંતી ઉજવણી માત્ર શ્રદ્ધાંજલિ પૂરતી જ નહિ રહી પરંતુ સ્વદેશી, સ્વચ્છતા અને સ્વાવલંબનના સંદેશને નવેસરથી જીવંત કરતી રહી હતી.