અંગદાનથી અમરતાનું પ્રતિબિંબ: BSFના જવાન રાધાક્રિષ્ન રાયએ મૃત્યુ બાદ પણ ચાર જીવનોમાં પ્રેરણા જગાવી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
એક સૈનિક ક્યારેય મરે નહીં – તેઓ જીવિત હોય કે ન હોય, દેશસેવામાં સદા અવિરત રહે છે. આવું જ અનોખું અને ગૌરવપૂર્ણ ઉદાહરણ ગુજરાતમાં સામે આવ્યું છે, જ્યાં બીએસએફના જવાન રાધાકૃષ્ણ રાયના મૃત્યુ પછી અંગદાન દ્વારા ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું.
મુલ પશ્ચિમ બંગાળના રહેવાસી અને હાલમાં ગાંધીનગર ખાતે BSFમાં ફરજ બજાવતા 48 વર્ષીય રાધાકૃષ્ણ રાય તા. 29 જૂન, 2025 ના રોજ નાના ચીલોડા વિસ્તારમાં અકસ્માતનો શિકાર થયા હતા. એક્ટીવા સ્લીપ થતાં માથામાં ગંભીર ઇજા થતા તેમને તરત જ ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે 72 કલાકથી વધુ સમય સુધી તબીબી ટીમ દ્વારા સઘન સારવાર આપવામાં આવી. પરંતુ અંતે 3 જુલાઈના રોજ તબીબોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા.
આ ગંભીર ક્ષણે, દર્દીના પરિવારજનોને અંગદાનની સંભાવનાઓ વિશે સમજાવવાનું કામ સિવિલ હોસ્પિટલની અંગદાન કાઉન્સેલિંગ ટીમ દ્વારા કરાયું. પરિવારે માનવતાના ભાવ સાથે અંગદાન માટે સંમતિ આપી.
આંગદાન અંતર્ગત રાધાકૃષ્ણ રાયના હ્રદયને યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ, જ્યારે લીવર અને બે કિડનીને કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળ રીતે પ્રતિરોપિત કરવામાં આવ્યા.
સિવિલ હોસ્પિટલના તબીબી અધ્યક્ષ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, “જવાનનું અંગદાન માત્ર માનવ સેવા નથી, પરંતુ એક વીરના સંકલ્પનું પ્રતિબિંબ છે. તેમણે મૃત્યુ પછી પણ દેશની અને માનવજાતની સેવા જારી રાખી છે.”
ડૉ. જોષીએ વધુમાં જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 199 અંગદાતાઓના સહકારથી 652 અંગોનું દાન મળ્યું છે. જેમાં 174 લીવર, 362 કિડની, 13 સ્વાદુપિંડ, 63 હ્રદય, 32 ફેફસા, 6 હાથ અને 2 નાના આંતરડાનું દાન કરવામાં આવ્યું છે. આ સાથે હોસ્પિટલની સ્કિન બેંકને 21 ચામડીના દાન મળ્યા છે.
આંગદાનથી મળેલા આ અંગો દ્વારા અત્યાર સુધીમાં કુલ 633 દર્દીઓને નવી જિંદગી મળી છે.
રાધાકૃષ્ણ રાયનું આ ત્યાગનું પગલું માત્ર સંવેદનાને નહીં, પણ સમાજના હ્રદયને સ્પર્શે એવું છે. જીવનભર દેશની સુરક્ષામાં સક્રિય રહેલા એક સૈનિકે મૃત્યુ બાદ પણ સમાજની સેવામાં પોતાનું યોગદાન આપ્યું, જેને ભુલવું શક્ય નથી.
અંતે, એક જવાન તો જ્યારે શ્વાસ લે છે ત્યારે દેશ માટે જ જીવે છે – અને જ્યારે શ્વાસ બંધ થાય ત્યારે પણ બીજાને શ્વાસ આપે છે. BSFના જવાન રાધાકૃષ્ણ રાયના પરિવારનો આ નમ્ર ત્યાગ સમગ્ર રાષ્ટ્ર માટે અભિમાનનું ગૌરવપૂર્ણ પ્રેરણાસ્ત્રોત બની રહેશે.





