Rajkot: ‘હર ઘર તિરંગા’: રાજકોટ જિલ્લાની ૧૨૦૦થી વધુ શાળાઓમાં ‘રાષ્ટ્રભક્તિ’ની લહેર છવાઈ

તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વિદ્યાર્થીઓ માટે તિરંગા ક્વીઝ, તિરંગા રેલી સહિતની પ્રવૃત્તિઓ યોજાઈ
Rajkot: હાલ રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ ચાલી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. રાજકોટ જિલ્લામાં સરકારી, ખાનગી મળીને ૧૨૦૨ શાળાઓએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે.
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જિલ્લામાં સૌથી વધુ જસદણ તાલુકાની ૨૦૦ શાળાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે ધોરાજી તાલુકાની ૯૧, ગોંડલ તાલુકાની ૧૪૪, જામકંડોરણા તાલુકાની ૭૭, જેતપુર તાલુકાની ૧૦૮, કોટડા સાંગાણી તાલુકાની ૫૬, લોધિકા તાલુકાની ૫૨, પડધરી તાલુકાની ૧૨૮, રાજકોટ તાલુકાની ૧૨૯, ઉપલેટા તાલુકાની ૧૦૨, વિંછિયા તાલુકાની ૧૧૫ શાળાઓએ નોંધણી કરાવી છે.
અભિયાન અંતર્ગત શાળાઓમાં બાળકો માટે તિરંગા ક્વીઝ યોજવામાં આવી હતી. સ્માર્ટક્લાસમાં સ્માર્ટ બોર્ડની મદદથી યોજાયેલી ક્વીઝ સ્પર્ધામાં બાળકોએ હોંશે હોંશે ભાગ લીધો હતો. ક્વીઝ દરમિયાન બાળકોને તિરંગા વિશેની ઘણી નવી બાબતો જાણવા મળી હતી. દરમિયાન બાળકોએ શાળાઓમાં તિરંગાની થીમ પર સુશોભનો પણ કર્યા હતા. કેટલીક શાળાઓ દ્વારા તિરંગા રેલી પણ યોજવામાં આવી હતી. માર્ગો પર નીકળેલી રેલીમાં નાગરિકો પણ જોડાયા હતા અને રેલીએ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. આ ૧૦૨૯ શાળાઓ દ્વારા ‘હર ઘર તિરંગા’ પોર્ટલ પર ૪૫૮૮થી વધુ ફોટો પણ અપલોડ કરવામાં આવ્યા છે.





