સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા જૂનાગઢના બીએપીએસ સ્વામિનારાયણ ગુરુકુળ, અક્ષર વાડી ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જૂનાગઢ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદબોધનમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે, દેશનો દરેક યુવાન રમતોમાં ભાગ લે,તેમજ ફિટનેસ માટે જાગૃત બને એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા ખેલ મહાકુંભનો આરંભ કરવામાં આવ્યો છે. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તા.૨૯મી ઓગસ્ટના દિને નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે રમતગમતમાં મહત્તમ યુવાનો ભાગ લે એ માટે અનુરોધ કર્યો હતો.ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા એ જણાવ્યું હતું કે,રમત ક્ષેત્રે યુવાનોની શક્તિ અને કૈાશલ્ય નીખરે એ માટે સરકાર દ્રારા ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે.ધારાસભ્યશ્રીએ વિદ્યાર્થીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે,જો રમત માટે ગ્રાઉન્ડમાં નહીં જાવ ત્યાં સુધી ફિટનેસ નહીં આવે.ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે પ્રસંગોચિત ઉદ્બબોધન જણાવ્યું હતું કે, ભારત ૧૪૬ કરોડની વસ્તી ધરાવે છે. વિશ્વના સૌથી યુવાન દેશોમાં ભારતની ગણના થાય છે. ત્યારે ભારતમાં બાળકો મજબૂત બને તંદુરસ્ત બને એ માટે રમત ખૂબ જ જરૂરી છે.દરેક કક્ષાએ રમતગમત દિવસની ઉજવણી યોજાઈ અને વિધાર્થીઓ રમતમાં ભાગ લે એ માટે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.આ તકે ટેનિસમાં સમગ્ર ભારત અને ગુજરાતને ગૌરવ અપાવનાર જેન્સી કાનાબાર, યોગ ક્ષેત્રે વાજા શાહનવાજ, ભાનુબેન,શિક્ષક ઇરફાનભાઇ ગરાણા ને રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરવા બદલ ગૌરવ સન્માન પત્ર મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે શ્રેષ્ઠ વ્યાયામ શિક્ષક શ્રી હેમંતભાઈ ચાવડા, અને શ્રી શૈલેષ શૈલેષભાઈ પરમારને મહાનુભવોના હસ્તે સન્માન પત્ર આપી બહુમાન કર્યું હતું.આ ઉપરાંત ખેલ મહાકુંભ ૩.૦ શાળા અંતર્ગત પ્રથમ ક્રમે શ્રીમતી આરએસ કાલરીયા અંગ્રેજી માધ્યમને ૧,૫૦,૦૦૦, દ્વિતીય ક્રમે કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલને ૧,૦૦,૦૦૦ અને તૃતીય ક્રમે સ્વ. કે. જી. ચૌહાણ કન્યા વિદ્યાલય ને ૭૫૦૦૦ ના કેસ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સૈા કોઈએ પ્રતિજ્ઞા લીધી હતી.આ પ્રસંગે મેજર ધ્યાનચંદજીની જીવન ગાથા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ડોક્યુમેન્ટરી સૌ કોઈએ નિહાળી હતી.કાર્યક્રમના આરંભે મહાનુભાવો દ્વારા મેજર ધ્યાનચંદજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં હોકી પેનલ્ટી શુટઆઉટ, સ્કીપિંગ રોપ,સૂર્ય નમસ્કાર સ્પર્ધા નો આરંભ કરાવ્યો હતો. આજ રોજ યોજાયેલ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ગ્રામ્ય અને શાળાથી વિજેતા થયેલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.હોકી પેનલ્ટી શુટઆઉટ સ્પર્ધામાં પ્રથમ ક્રમે કરગઠિયા અમિત, દ્વિતીય ક્રમે ચૌહાણ સુજલ અને તૃતીય ક્રમે સુરેજા ચાર્વી,જ્યારે સ્કીપિંગમાં રોપમાં ભાઈઓમાં પ્રથમ ક્રમે મિતુલ પોશિયા, દ્વિતીય ક્રમે ઠાકોર સમીર, તૃતીય ક્રમે કારિયા કિશન. જયારે બહેનોમાં પ્રથમ ક્રમે ભરડા રાજલ, બીજા ક્રમે સગારકા વિશાખા અને ત્રીજા ક્રમે સોલંકી કાવ્યાબાને સન્માનિત કરવામાં આવ્યા હતા.જયારે સૂર્યનમસ્કાર સ્પર્ધામાં પ્રથમ ક્રમે વીણા ગુપ્તા, બીજા ક્રમે બોરીયા રોશની અને ત્રીજા ક્રમે કોરડીયા હેમાક્ષી રહ્યા હતા.આ પ્રસંગે રમત ગમત અધિકારી શ્રી મનીષ જીલડીયા એ સ્વાગત પ્રવચન અને આભાર વિધિ કરી હતી.કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યું હતું.આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, જૂનાગઢ જિલ્લા શહેર ભાજપ પ્રમુખશ્રી ગૌરવ રૂપારેલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પલ્લવીબેન ઠાકર, જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનીલકુમાર રાણાવસીયા, જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર શ્રી તેજસ પરમાર, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી.પટેલ, જૂનાગઢ જિલ્લા પોલીસવડા શ્રી સુબોધ ઓડેદરા સહિતના પદાધિકારીઓ,અધિકારીઓ, કોચ, શિક્ષકો, અને વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ