
જૂનાગઢ જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા ફૂડ પોઇઝનિંગ થી થતા પશુ મરણ અટકાવવા માટે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરેલ છે.ઘાસચારો એ પશુઓની કુદરતી અને પોષણક્ષમ આહાર છે. જેથી પશુઓને આપવામાં આવતો ઘાસચારો નુકસાનકારક તત્વો રહિત, નુકસાનકારક દવાઓના છંટકાવરહિત અને ફૂગ વાળો કે બટાયેલ ન હોય તેવી તેની કાળજી પશુપાલકોએ રાખવી જોઈએ. પશુઓને મકાઈ, બાજરી, જુવાર, ડાંગરનું પરાળ, દિવેલા-એરંડા, રજકો, વગેરે બટાઈ ગયેલ ઘાસચારો તેમજ જંતુનાશક દવાઓ છાંટેલ પાકો પશુઓને ન ખવડાવવા પશુપાલન વિભાગે તાકીદ કરી છે.નિંઘલ્યા પહેલાની જુવાર કુમળી અવસ્થામાં કાપીને આપવામાં આવેલ જુવારમાં સાઈનાઈટ વધુ પ્રમાણમાં હોય છે. સામાન્ય રીતે આ ઝેરની તીવ્ર અસર હોય ત્યારે પશુ ૧૫ થી ૨૦ મિનિટમાં મૃત્યુ પામે છે. જ્યારે ઓછી અસર હોય તો પશુઓમાં શ્વાસોશ્વાસ ખૂબ વધી જાય છે, પશુ આડુ પડી ભાંભરે છે, ખૂબ જ આફરો ચડે છે, શરીરે તાવ આવે છે, ડોળા પહોળા થઈ જાય છે અને પશુ થોડા સમયમાં જ મૃત્યુ પામે છે. મોડી સાંજે કાપણી કરેલ પુખ્ત જુવાર જ ખવડાવી જોઈએ જેથી આ સમય દરમિયાન ઝેરી તત્વનું પ્રમાણ ઓછું હોય છે.જૂનાગઢ જિલ્લામાં ફૂડ પોઇઝનિંગ થી થતા પશુમરણ અટકાવવા માટે પશુપાલન શાખાએ કાળજી રાખવા માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. આ સૂચનાઓનું પશુપાલકોએ તેમજ જૂનાગઢ જિલ્લાના તમામ પાંજરાપોળ, ગૌશાળાઓએ તમામ માર્ગદર્શન સૂચનોનો પાલન કરવા તેમજ પશુઓમાં ઘાંસચારાથી ઝેરી તત્વોની અસરના લક્ષણો દેખાય તો નજીકના પશુદાવાખાનો સંપર્ક કરવા અનુરોધ છે. તેમ જિલ્લા પંચાયત પશુપાલન શાખા જૂનાગઢ દ્નારા મળેલી એક અખબારીયાદીમાં જણાવામાં આવ્યું છે.




