ગુજરાત SIRની ઝંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી હતી. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત દોઢ માસ સુધી હાથ ધરવામાં આવી હતી. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આજે(19 ડિસેમ્બર) રાજ્ય ચૂંટણી પંચ ડ્રાફ્ટ મતદાર યાદી સત્તાવાર વેબસાઇટ http://ceo.gujarat.gov.in પર જાહેર કરાઈ છે. 4.34 કરોડ મતદારો નોંધાયા છે અને 73.73 લાખ મતદારોના નામ કપાયા છે. ત્યારે આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં જે કોઈ મતદારનું નામ ન હોય તો તેઓ વાંધો રજૂ કરી શકશે. મતદાર 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે. મતદાર પોતાનું નામ ચકાસી શકે છે.
18મી જાન્યુઆરી, 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. તેઓ આધાર પૂરાવા સાથે ફોર્મ-6 ભરીને નામ જોડવા માટે અરજી કરી શકે છે. એકથી વધુ જગ્યાઓ પર મતદાર તરીકે નોંધણી કરવી ગુનો છે.
• 10મી ફેબ્રુઆરી, 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા અને બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં. ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા. ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 થઈ ગઈ છે. એટલે કે, SIRની ઝંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
કયા કયા મતદારોના નામ દૂર કરાયા
• અવસાન પામેલા મતદારો- 18,07,278
• ગેરહાજર મતદારો- 9,69,662
• કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારો- 40,25,553
• બે જગ્યાએ નોંધાયેલા મતદારો- 3,81,470 હતા.
• અન્ય- 1,89,364 હતા.
• તા.1-1-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂરા કરનાર યુવાનો ફોર્મ નં.6 ભરીને તેઓનું નામ આખરી મતદાર યાદી કે જે તા.17-2-2026ના રોજ પ્રસિદ્ધ થવાની છે તેમાં દાખલ કરાવી શકે છે.
• જો આપનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો.
• જો ડ્રાફ્ટ મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ડેક્લેરેશન સાથે ફોર્મ નં.8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાય છે.
• ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને અરજી કરી શકાશે.





