GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા

ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. મળતી માહિતી મુજબ, સૌપ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ એક પછી એક તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા. આ રાજીનામાં જગદીશ વિશ્વકર્માને સુપરત કરવામાં આવ્યા હતા, જેમણે તમામ મંત્રીઓને રાજીનામું આપવાની સૂચના આપી હતી.

જગદીશ વિશ્વકર્મા સહિત કુલ 16 મંત્રીએ રાજીનામાં આપ્યા છે. રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રીએ મંત્રીઓ પાસે રાજીનામું માંગ્યું ન હતું. મુખ્યમંત્રી સાથે તમામ નેતાઓની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, અને અહેવાલો મુજબ, બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજીનામાંનું એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું, જેના પર મંત્રીઓએ માત્ર સહી કરવાની હતી. હવે, આ મંત્રીઓએ આપેલા રાજીનામાં રાજ્યપાલને સોંપવામાં આવશે, અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી એક પત્ર રાજ્યપાલને સુપરત કરશે.

આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) ફરી એકવાર 2021ની માફક ‘નો-રિપીટ’ થિયરીની ફોર્મ્યુલા લાગુ કરશે કે પછી કેટલાક જૂના મંત્રીઓને રિપીટ કરશે? તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટા ભાગના વર્તમાન મંત્રીઓને આ વખતે પડતા મૂકવામાં આવશે કે પછી કેટલાક મંત્રીઓનો મંત્રીમંડળમાં ફરી સમાવેશ કરી તેમનું ખાતુ કે પદ અપગ્રેડ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

મળતી માહિતી મુજબ, આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં તમામ મંત્રીઓએ સામૂહિક રીતે રાજીનામા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ હવે સૌની નજર નવા મંત્રીમંડળની જાહેરાત પર ટકેલી છે.

નવા મંત્રીમંડળની શપથવિધિ માટેની સત્તાવાર જાહેરાત રાજ્યપાલ દ્વારા કરી દેવામાં આવી છે. નવા મંત્રીમંડળની શપથવિધિ આવતીકાલે શુક્રવારે (17મી ઓક્ટોબર) ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે.

Back to top button
error: Content is protected !!