ખરાબ રોડ – રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર વેવાઇ નથી બ્લેક લિસ્ટ કરો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મહાનગરોના કમિશનર્સને રોડ-રસ્તાના કામોનું મૂલ્યાંકન કરવા મુખ્યમંત્રીનો આદેશ આપ્યો હતો. 15 દિવસમાં જનતાની વચ્ચે ફરીને રોડ-રસ્તા, બ્રિજની ગુણવત્તા વિશે રિપોર્ટ મોકલવા મુખ્યમંત્રીનો આદેશ આપ્યો છે. મહાનગરોના મેયર, કમિશનર અને રાજ્યના સચિવો સાથે મુખ્યમંત્રીએ રોડ-રસ્તા અંગે બેઠક કરી હતી. નબળા રોડ બનાવનારા 3 કોન્ટ્રાક્ટરને સરકારે બ્લેકલિસ્ટ કર્યા અને ભવિષ્યે કોઇ કામગીરી ન સોંપવા તાકીદ કરી છે. મેન્ટેનન્સ-ગેરેન્ટીના સમયગાળામાં તૂટતા રોડના 13 કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. કમિશનર અને ડેપ્યુટી કમિશનરને ફિલ્ડ વિઝીટ કરી 30 નવેમ્બર સુધી અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસનદાયિત્વ સંભાળ્યું ત્યારથી રાજ્યમાં માર્ગો-રોડ-રસ્તા-પૂલોના બાંધકામમાં ક્વોલિટી પર સતત ભાર મૂક્યો છે. આવા પ્રજાહિતના કામોમાં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ કરવાની વાત ચલાવી લેતા નથી તેની પ્રતીતિ તેમણે અનેકવાર કરાવી છે.
મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક ગુરૂવારે બપોરે યોજી હતી. મહાનગરોના કમિશનરઓ, મેયરઓ તથા રિજનલ મ્યુનિસિપલ કમિશનરો આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.
મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટ સૂચનાઓ આપી કે, રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં બાંધછોડ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. તાજેતરમાં 3 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, હલકી ગુણવત્તાના કામો કરનારા 13થી વધુ કોન્ટ્રાક્ટરોને આ વર્ષે બ્લેકલિસ્ટ કરવા સુધીના સખત શિક્ષાત્મક પગલાં પણ મુખ્યમંત્રીની સીધી સૂચનાથી લેવાયા છે.
તેમણે શહેરી મહાનગરોના કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોને દરરોજ ગ્રાઉન્ડ પર ઉતરીને ફિલ્ડ વિઝીટ કરવા અને 30મી નવેમ્બર સુધીમાં સ્થળ અહેવાલ આપવા જણાવ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જે રોડ-રસ્તા મેન્ટેનન્સ-ગેરેન્ટી પિરીયડ દરમિયાન તૂટી જાય તો તેના કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.





