ગુજરાતમાં ભારે વરસાદના કારણે 4,232થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા, મૃત્યુનો આંકડો 61 થયો

ગુજરાતમાં ભારે વરસાદના કારણે વિવિધ જિલ્લાઓમાં 4,232થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. જેમાં મોટાભાગે નવસારી, દ્વારકા, સુરત અને ભરૂચ જિલ્લામાં સ્થળાંતર કરવું પડયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી અને ડૂબી જવાથી વધુ 9 લોકોના મોત થયાં છે. આ સાથે સિઝનમાં મૃત્યુનો આંકડો 61 થયો છે.
ગુજરાતના 17 રાજ્ય ધોરી માર્ગ, 42 અન્ય રસ્તાઓ અને 607 પંચાયતના રસ્તાઓ સહિત કુલ 666 રસ્તાઓ પાણીના ઓવર ફ્લોને કારણે બંધ છે. રાજ્યના 253 ગામોમાં વીજળી નથી. જ્યારે હવામાન વિભાગની આગાહી જોતાં આજે (25મી જુલાઈ) સૌરાષ્ટ્રના બે અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે.
ભારે વરસાદને કારણે દ્વારકા પછી સુરતમાં ફસાયેલા વ્યક્તિઓને એરલિફ્ટ કરાયા હતા. રાજ્યમાં બુધવારે સાંજ સુધીમાં 18 ઈંચ વરસાદ થયો છે અને સરેરાશ વરસાદ વધીને 52.23 ટકા નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 75.50 ટકા વરસાદ થયો છે. રાજ્યના 74 તાલુકામાં 500 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. આણંદના બોરસદમાં સવારના 6થી સાંજના 6વાગ્યા સુધીમાં સૌથી વધુ 354 મિ.મી. વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા 28મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. 23મી જુલાઈના દેવભૂમિ દ્વારકામાં 3, બનાસકાંઠામાં 2, કચ્છ 2, રાજકોટ 1 અને સુરત 1 એમ કુલ 9 માનવ મૃત્યુ નોંધાયા છે. જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઈ જવાના કારણે નિપજ્યાં છે.
રાજ્યના 206 જળાશયોમાંથી 46 ઓવર ફ્લો થઈ રહ્યા છે. 51 જળાશયો હાઇ એલર્ટ પર છે. રાજ્યમાં 10 નદીઓમાં પુરની સ્થિતિ છે. હાલ રાજ્યમાં સરદાર સરોવરમાં 18,2444 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે. જે કુલ ક્ષમતાના 54.61 ટકા છે. અન્ય 209 જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 2,39,849 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ 42.28 ટકા છે. જેમાં કુલ ક્ષમતાના 100 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 46, 90થી 100 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 25, 50થી 70 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 41, 25 ટકાથી નીચે ભરાયેલ ડેમની સંખ્યા 69 છે.







