પિતા-પુત્રીએ સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે રાજ્ય સ્તરે મેળવી ઝળહળતી સિદ્ધિ
રાજ્યપાલશ્રીના હસ્તે અપૂર્વા દરજીને 'ગીતાભૂષણ:' અને શિક્ષકશ્રી આદિત્યકુમારને 'શતસુભાષિતપંડિત:' ની ઉપાધિ એનાયત

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ‘શ્રીમદ્ભગવદ્ગીતા યોજના’ અને ‘શત સુભાષિત યોજના’ અંતર્ગત ખેરાલુ તાલુકાની વિઠોડા શાળાની પિતા-પુત્રીની જોડીએ રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.
તાજેતરમાં રાજભવન (લોકભવન), ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં, પીએમશ્રી વિઠોડાની વિદ્યાર્થિની કુ. દરજી અપૂર્વા આદિત્યકુમારને સમગ્ર શ્રીમદ્ભગવદ્ગીતા કંઠસ્થ કરવા બદલ મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે **’ગીતાભૂષણ:’**ની પ્રતિષ્ઠિત ઉપાધિથી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે તેને ₹51,000ની સન્માનરાશિ, શિલ્ડ, પાઘડી, ખેસ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
સાથે જ, શાળાના આદર્શ રાજયશ્રેષ્ઠ શિક્ષકશ્રી દરજી આદિત્યકુમાર વિષ્ણુપ્રસાદને 100 સુભાષિતો કંઠસ્થ કરવા બદલ શિક્ષણમંત્રીશ્રી પ્રદ્યુમ્ન વાજા સાહેબના હસ્તે **’શતસુભાષિતપંડિત:’**ની ઉપાધિ તથા ₹21,000ની સન્માનરાશિ, શિલ્ડ અને પ્રમાણપત્ર આપી બહુમાનિત કરાયા હતા. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી હિમાંજય પાલીવાલ, કુલપતિ – સંસ્કૃત વિશ્વવિદ્યાલય (સોમનાથ) શ્રી સુકાંતકુમાર સેનાપતિ, શ્રી ભાગ્યેશ ઝા તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં સંવાદ સાધી, સંસ્કૃત ભાષાના સંવર્ધન તથા નવી પેઢીમાં તેની જાગૃતિ વિકસે તે માટે માર્ગદર્શન આપ્યું.
સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે – તેને જાળવી રાખવી અને આગળ ધપાવવી એ આપણી સૌની જવાબદારી છે.
સફળતાનો શ્રેય સંસ્કારોને:-
પોતાની આ અદ્વિતીય સિદ્ધિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “આ સફળતા પાછળ ભગવાન યોગેશ્વર અને પૂજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલે (પૂ.દાદા)ના આશીર્વાદ તથા માતા-પિતાનું માર્ગદર્શન રહેલું છે. સ્વાધ્યાય પરિવારના બાળસંસ્કારકેન્દ્ર અને યુવાકેન્દ્રના દિવ્ય વાતાવરણ થકી જ આ સંસ્કાર સિંચન શક્ય બન્યું છે.”
વિઠોડા શાળા પરિવાર અને ગ્રામજનોએ પિતા-પુત્રીની આ સિદ્ધિ પર ગર્વની લાગણી વ્યક્ત કરી છે અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.






