ગુજરાત સરકારે ડ્રગ લિસ્ટને રિવાઈઝ કર્યું, શ્વસનતંત્ર, આંખ, ગેસ્ટ્રો, હદયરોગની દવાઓમાં ઉમેરો

રાજ્યની સરકારી હોસ્પિટલો-જિલ્લા હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામા આવે છે. જેમાં હાલ 2024-25ના વર્ષ પ્રમાણે 1386 દવાઓ છે.આ યાદીની સરકારે સમીક્ષા કરીને 150 નવી દવાઓનો ઉમેરો કર્યો છે.જ્યારે બિનજરૂરી 57 દવાઓ રદ કરવામા આવી છે. આગામી વર્ષ માટે હવે કુલ 1479 સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સહિતની દવા દર્દીને મળશે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લિસ્ટને રિવાઈઝ કરવામા આવી છે.જેમાં સમાવિષ્ટ પ્રત્યેક દવા અને સર્જિકલ આઈટમ રાજ્યના ગ્રામીણ અને શહેર વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં વિનામૂલ્યે આપવામા આવે છે. સરકારના હાલના એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં પ્રાથમિક કક્ષાની 378 દવાઓ,સેકન્ડરી કક્ષાની 628 દવાઓ અને ટર્સરી કક્ષાની 1475 દવાઓનો સમાવેશ કરવામા આવ્યો છે.
જીવનરક્ષક દવાઓમાં એન્ટિ ઈન્ફેક્ટિવ મેડિસિન્સ 202થી વધારીને 216, શ્વસનતંત્રની દવાઓ 29થી વધારીને 40, આંખની દવાઓ 51થી વધારીને 58, ગેસ્ટ્રો ઈન્સ્ટેસ્ટાઈલની દવાઓ પરથી વધારી 56 તેમજ મેડિકલ ડિવાઈસીસની સંખ્યા 287થી વધારી 349 કરવામા આવી છે. આ ઉપરાંત 2025-26ના જરૂરી દવાની યાદીમાં હદયરોગની 116, કેન્સરની 56, ન્યુરોલોજિકલ ડિસોર્ડરની 75 અને માનસિક રોગોની 43 દવાઓ સહિત ઘણી નવી દવાઓનો સમાવેશ કરવામા આવ્યો છે.
આમ સરકારે 2025-26ના વર્ષ માટેની જરૂરી દવાની યાદીમાં દવાની સંખ્યા 1386થી વધારીને 1479 કરવામા આવી છે અને સમીક્ષા બાદ બિનજરૂરી 57 દવાઓ રદ કરવામા આવી છે. જો કે રદ કરાયેલી અને હવે હોસ્પિટલો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નહીં અપાનારી આ 57 દવાઓમાં કયા કયા રોગની દવા છે તેની સ્પષ્ટતા સરકાર દ્વારા કરાઈ નથી.





