AHAVADANGGUJARAT

સુબીર તાલુકાનાં કાંગર્યામાળ ગામ ખાતે પત્નીએ પતિને પૈસા ન આપતા,પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કાંગર્યામાળ ગામ ખાતે પત્ની પતિને પૈસા આપતી ન હતી. ત્યારે શનિવારે પણ પૈસા ન આપતા પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો. અને ગુસ્સામાં આવીને પતિએ પત્ની ઉપર કુહાડી તથા દાતરડા થી ઘા કરીને તેણીને રહેશી નાખી હતી.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કાંગર્યામાળ ગામ ખાતે ભેદ ફળિયામાં રહેતા પુન્યાભાઈ સોમાભાઇ પવાર તેમની પત્ની શર્મિલાબેન સાથે કામરેજ સુગરમાં મજુરી કામ માટે ગયા હતા. અને ગત તા.24/12/2024નાં  રોજ તેઓ પરત ફર્યા હતા.શનિવારે પુન્યાભાઈ પવારે એમની પત્ની શર્મિલાબેન (ઉ. વ.28)પાસે મળસ્કે ચાર વાગ્યે પૈસા માંગી ઝઘડો તકરાર કર્યો હતો. જોકે પત્ની શર્મિલા બેને પૈસા ન આપતા તેણે શર્મિલાબેન ને કુહાડી તથા દાતરડા અને લાકડી થી માર મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.ત્યારબાદ ઘરને તાળું મારી દીધું હતુ.અને તેના ભાઈના ઘરે  ગયો હતો. આ અગાઉ ગત ગુરુવારે તે તેના સાસરે હનવંતપાડા ગયો હતો અને ત્યા સસરા અંતારામભાઈને  લાત અને માર મારી જણાવ્યું હતું કે,”તમારી દીકરી કાયમ માટે બીમાર રહેતી હોય, હું દવાખાને અને ભગત ભુવા પાસે લઈ જઈ સુધારું છું. તેમ છતાં તે સુધરતી નથી. અને પૈસા માંગવા છતા આપતી નથી. હવે તમે મને પૈસા આપો નહીં તો તમારી દીકરીને મારી નાખીશ.” ત્યારે સસરા પાસે પૈસા ન હોવાથી પુનયાભાઈને સમજાવી મોકલી આપ્યો હતો.આ બનાવ અંગે મરનાર શર્મિલાબેન પવારનાં પિતા અંતરામ ભાઈ પવાર એ તેમની પુત્રીની હત્યા કરનાર જમાઈ પુન્યાભાઈ પવાર સામે સુબીર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.હાલમાં સુબીર પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!