ગુજરાતનું કુલ જાહેર દેવું 3.80 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું : CAG રિપોર્ટ

ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2024-25ના CAG રિપોર્ટ(ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ) વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યની મહેસૂલી પુરાંતમાં ગત વર્ષની સરખામણીએ 43.41%નો મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2023-24માં જે પુરાંત રૂપિયા 33,477 કરોડ હતી, તે વર્ષ 2024-25માં ઘટીને રૂપિયા 18,943 કરોડ પર આવી ગઈ છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ મહેસૂલી ખર્ચમાં થયેલો રૂપિયા 10,326 કરોડનો વધારો અને આવકમાં થયેલો રૂપિયા 4,208 કરોડનો ઘટાડો માનવામાં આવે છે. જો કે વર્ષ 24-25માં 18,943 કરોડની પુરાંત થઈ છે. પણ ગત વર્ષની સરખામણીએ ઘણી નબળી છે.
ગુજરાતનું કુલ જાહેર દેવું 3.80 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યના જાહેર દેવામાં અંદાજે 22 હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. બજાર લોનનો આંક 3.11 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે, જે ગત વર્ષ કરતાં લગભગ 16 હજાર કરોડ રૂપિયા વધુ છે.
ગુજરાત રાજ્યના અર્થતંત્રનું કદ (GSDP) સતત વધીને રૂપિયા 26.72 લાખ કરોડે પહોંચ્યું છે, જે ભારતની કુલ જીડીપીના આશરે 8% જેટલો હિસ્સો ધરાવે છે. આર્થિક રીતે સદ્ધર ગુજરાતના નાગરિકોની સરેરાશ માથાદીઠ આવક પણ રાષ્ટ્રીય સરેરાશ રૂપિયા 2.34 લાખની સરખામણીએ ઘણી વધારે એટલે કે રૂપિયા 3.66 લાખ નોંધાઈ છે. સામાજિક રીતે પણ રાજ્ય 84.6% સાક્ષરતા અને નીચા ગરીબી દર (11.66%) સાથે દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે.
બીજી તરફ, રાજ્યના દેવાના ટકાઉપણા (Debt Sustainability) અંગે પણ મહત્ત્વની વિગતો સામે આવી છે. હાલમાં ગુજરાતનું કુલ દેવું રાજ્યના જીડીપી(GSDP)ના 16.99% જેટલું છે. જો કે, ચિંતાની બાબત એ છે કે રાજ્ય સરકાર પોતાની કુલ મહેસૂલી આવકના 12.82% જેટલો માતબર હિસ્સો માત્ર જૂના દેવાનું વ્યાજ ચૂકવવામાં ખર્ચી રહી છે. આ આંકડો સૂચવે છે કે રાજ્યની કમાણીનો મોટો ભાગ વિકાસકાર્યોને બદલે વ્યાજ ભરવામાં વપરાઈ રહ્યો છે.
સમગ્ર રિપોર્ટથી એક બાબત સ્પષ્ટ થયા છે કે મહેસૂલી પુરાંત ઘટવાને કારણે રાજ્યની ‘રાજકોષીય જગ્યા’ સાંકડી થઈ છે. આ સંજોગોમાં મૂડી ખર્ચ એટલે કે નવા બ્રિજ, રસ્તાઓ અને માળખાગત સુવિધાઓના નિર્માણ માટે સરકારે બજારમાંથી વધુ ઋણ લેવાની ફરજ પડી છે. રિપોર્ટ અનુસાર, દેવાની વૃદ્ધિનો દર 12.24% રહ્યો છે, જે દર્શાવે છે કે રાજ્ય પર આર્થિક ભારણ સતત વધી રહ્યું છે.
વહીવટી સ્તરે પણ કેટલીક ગંભીર ક્ષતિઓ પ્રકાશમાં આવી છે. વર્ષ 2002થી 2024 સુધીના આશરે રૂપિયાના 7,431.84 કરોડના ‘વપરાશ પ્રમાણપત્રો’ હજુ પણ પડતર છે. આટલી મોટી રકમનો હિસાબ વર્ષોથી બાકી હોવો તે નાણાકીય શિસ્ત સામે પ્રશ્નો ઊભા કરે છે. આ ઉપરાંત, 11,650 કરોડથી વધુની વધારાની ચુકવણીઓનું નિયમિતકરણ કરવાનું પણ બાકી છે, જે વહીવટી પ્રક્રિયામાં વિલંબ સૂચવે છે.
વસ્તી વિષયક દૃષ્ટિએ જોતાં, ગુજરાત ઝડપથી શહેરીકરણ તરફ વધી રહ્યું છે અને રાજ્યની અડધાથી વધુ વસ્તી (50.29%) હવે શહેરોમાં વસે છે. આરોગ્ય ક્ષેત્રે બાળ મરણ દર અને માતૃ મૃત્યુ દરમાં ગુજરાતે રાષ્ટ્રીય સરેરાશ કરતાં સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ, સ્ત્રી-પુરુષના પ્રમાણ(Sex Ratio)માં ગુજરાત હજુ પણ પાછળ છે. 1,000 પુરુષો દીઠ માત્ર 904 સ્ત્રીઓનું પ્રમાણ એ સામાજિક દૃષ્ટિએ ગંભીર ચિંતાનો વિષય છે.
CAG અહેવાલ સ્પષ્ટ ચેતવણી આપે છે કે ગત વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષના આંકડા નબળા પડ્યા છે. વધતો જતો મહેસૂલી ખર્ચ અને દેવાની પરત ચૂકવણીની ટકાવારી જોતાં, આવનારા વર્ષોમાં રાજ્ય સરકારે નાણાકીય વ્યવસ્થાપનમાં અત્યંત સાવચેતી રાખવી પડશે. જો આવકના નવા સ્ત્રોત ઊભા કરવામાં નહીં આવે અથવા ખર્ચ પર અંકુશ નહીં મેળવાય, તો રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે બજેટની ફાળવણીમાં મુશ્કેલી પડી શકે છે.
ગુજરાત મોડેલ અત્યારે એક નિર્ણાયક વળાંક પર છે. એક બાજુ વધતું અર્થતંત્ર અને માથાદીઠ સમૃદ્ધિ છે, તો બીજી બાજુ ઘટતી મહેસૂલી પુરાંત અને વધતું દેવાનું વ્યાજ સરકાર માટે ચિંતાનો વિષય છે. આવનારા વર્ષોમાં જો વહીવટી શિસ્ત અને સામાજિક સૂચકાંકો, ખાસ કરીને જાતિ પ્રમાણ પર ધ્યાન આપવામાં નહીં આવે, તો આર્થિક વિકાસનો પાયો નબળો પડી શકે છે તેમ નિષ્ણાતોનું માનવું છે.





