ગુજરાતમાં ઉનાળાના પ્રારંભમાં જ ગરમીનો પ્રકોપ 17 જિલ્લામાં હિટવેવની આગાહી

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બપોર થતાની સાથે જ આકરી ગરમીથી લોકો ત્રાહીમામ થઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાનમાં આગામી દિવસોમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે.
ગુજરાતમાં અમદાવાદ સહિત 17 જિલ્લામાં હિટવેવની સ્થિતી આગામી ત્રણ દિવસ જોવા મળી શકે છે. અમદાવાદ-રાજકોટમાં અંગ દઝાડતી ગરમી પડી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે હિટવેવ જેવી સ્થિતિ રહેવાની શક્યતા છે. બપોરના સમયે પરસેવે રેબજેબ કરતી ગરમીને લઇ બને ત્યા સુધી બહાર નીકળવાનું ટાળવું તેમજ રસ્તા પર ટુ-વ્હીલર ચલાવતા લોકો ગરમ પવનો અને લૂના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં આવી ગરમીને લઇ લોકો આગામી દિવસોમાં વધુ ગરમી પડશે તો કેવી રીતે ઉનાળો પસાર કરવો તેની ચિંતામાં લાગ્યા છે.
હવામાન વિભાગ દ્વારા 15 માર્ચ સુધી ગરમીની આગાહી આપવામાં આવી છે. રાજ્યના 17 જિલ્લા ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં હિટવેવને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. 10-11 માર્ચે ભાવનગર, બોટાદ, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને સુરતમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહત્તમ તાપમાનમાં રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે 12થી 14 માર્ચ દરમિયાન રાજ્યમાં સામાન્ય હવામાન રહેશે.
ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. આ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ અંગે મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવી શકે છે.
અંબાલાલ પટેલના અનુમાન મુજબ 14થી 18 માર્ચ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે 16 માર્ચથી એપ્રિલ મહિનાની શરૂઆત સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા પણ નકારી શકાય નહીં.





